પોરબંદર-દ્વારકા હાઈવે પર કુછડી ગામ નજીક સોમવારે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કર્ણાટકના વિજાપુર જિલ્લાના ચડચણ તાલુકાની યાત્રાળુઓથી ભરેલી બસ બંધ પડેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે યાત્રાળુઓ વિશ્વનાથ સિદરમ્પા અવજી (ઉ.વ 54) અને મલ્લિકાર્જુન સરમણખા અદલગી (ઉ.વ 45)ના ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. અકસ્માતમાં 10 યાત્રાળુઓને ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યાત્રાળુઓની બસ સોમનાથથી દ્વારકા તરફ જઈ રહી હતી. કુછડી ગામ નજીક ગોલાઈ પાસે રસ્તા પર બંધ પડેલા ટ્રક સાથે બસ અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.