રાજકોટની સોની બજારમાં ફિનિશિંગ માટે વેપારીએ આપેલા સાડા ત્રણ લાખના ઘરેણાં લઇ બંગાળી કારીગર રફુચક્કર થઇ જતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.પેલેસ રોડ પર રહેતા પ્રતિકભાઇ રાજેશભાઇ પાટડિયા નામના સોની વેપારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની સોની બજાર, કામદાર શેરીમાં આવેલા અંકિત દર્શન એપાર્ટમેન્ટમાં રતન જ્વેલર્સના નામથી સોનાનું ઘાટકામ કરવાની દુકાન ધરાવે છે. ઘરેણાં ઘડવા માટે બે કારીગર હોય અને વધુ એક કારીગરની જરૂરિયાત હોય પરિચિત કારીગરને વાત કરી હતી. જેથી તેને મૂળ પ.બંગાળનો અને રાજકોટમાં રામનાથપરા-5માં ભાડાના મકાનમાં રહેતા નવસાદ અલી સરકાર નામના કારીગર સાથે ઓળખાણ કરાવી હતી.
તેની સાથે વાતચીત કર્યા બાદ તેને તા.2-11-2022ના રોજ નોકરીએ રાખ્યો હતો. દરમિયાન તા.18-12ની રાતે રાતપાળીમાં દુકાને કામ ચાલુ હતું. બાદમાં એક વાગ્યા બાદ ત્રણેય કારીગર અને પોતે દુકાન બંધ કરી ઘરે જતા રહ્યાં હતા. આ સમયે નવસાદને સોનાની બાલીનું કામ આપ્યું હોય રૂ.3.50 લાખની કિંમતનું 85 ગ્રામ સોનું તેની પાસે હતું.