મચ્છરજન્ય રોગની સિઝનમાં રાજકોટ શહેરમાં સામાન્ય રીતે સૌથી વધુ કેસ ડેન્ગ્યુના નોંધાય છે ત્યારબાદ મલેરિયા અને બાદમાં ઘણા ઓછા કેસ ચિકનગુનિયાના નોંધાતા હોય છે. જોકે આ વખતે ડેન્ગ્યુ જેટલા જ ચિકનગુનિયાના કેસ આવી રહ્યા છે. આ વખતે ચિકનગુનિયા વકરશે તેવી તો સ્થિતિ ઊભી થઈ છે કે કેમ તે અંગે આરોગ્ય અધિકારીને પ્રશ્ન કરાતા તેઓએ જણાવ્યું હતું કે, હવે મનપા જ સામેથી ટેસ્ટ કરી રહી છે એટલે કેસ વધ્યા છે.
આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીએ જણાવ્યું છે કે, ‘વોર્ડ દીઠ એક વોટ્સએપ ગ્રૂપ બનાવાયું છે. આ ગ્રૂપમાં વોર્ડના મહત્તમ જનરલ પ્રેક્ટિશનર આવરી લેવાયા છે. આ તમામને જણાવાયું છે કે, તેમને ત્યાં જે પણ દર્દીઓ આવે છે તેમનામાં તાવની સાથે સાથે સાંધાના દુખાવાની સમસ્યા હોય અથવા તો મચ્છરજન્ય રોગની શંકા હોય તો તુરંત જ વિગતો આપવામાં આવે. જે વિગતોને આધારે સૌથી પહેલા સ્ટાફ જે તે દર્દીના ઘરે જઈને એન્ટિ લારવા એક્ટિવિટી કરે છે.