મુંબઈ ખાતે જીજેઇપીસી દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ સહિત દેશ વિદેશના 3500 સ્ટોલધારકે ભાગ લીધો છે તેમજ વિશ્વભરમાંથી મુલાકાતીઓ આવી રહ્યા છે. ત્રણ દિવસના પ્રદર્શનમાં રાજકોટની સોની બજારને 200 કિલો દાગીનાના ઓર્ડર મળ્યા છે.
આમ રાજકોટની સોની બજારના વેપારીઓ, કારીગરોની દિવાળી સુધરી ગઈ છે. હજુ આ ઓર્ડર મળવાની સંભાવના વધારે છે. આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં રાજકોટ, જૂનાગઢ, ગોંડલ, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના અને ગુજરાતભરના વેપારીઓએ ભાગ લીધો છે. આમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં ગુજરાતની જે માર્કેટ છે એમાં રાજકોટની સોની બજારનો 40 ટકા હિસ્સો ગણી શકાય છે.
લાઈટ વેઇટ જ્વેલરીથી લઈને એન્ટિક દાગીનાની ડિઝાઇન રજૂ થઈ
મુંબઈ ખાતે જે એક્ઝિબિશનમાં દુબઈ, બેંગકોક સહિત વિશ્વભરના અને ભારત દેશના સાઉથ, મુંબઈ, ગુજરાતી અને સૌરાષ્ટ્રના ઝવેરીઓએ ભાગ લીધો છે. આ પ્રદર્શનમાં લાઈટ વેઈટ જ્વેલરીથી લઈને એન્ટિક અને ટેમ્પલ જ્વેલરી રજૂ થઈ છે. આ ઉપરાંત ફોન માટે સોનાના કવર પણ સ્પેશિયલ બનાવવામાં આવ્યા છે.
જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેમને ભાગ લીધો છે એ વેપારીઓના જણાવ્યાનુસાર મુંબઈમાં બે જગ્યાએ સ્ટોલ રખાયા છે. મુલાકાતીઓ માટે 2થી 4 કલાકનું વેઈટિંગ છે. ખરીદી માટે લોકોથી લઈને વેપારીઓ, ઉદ્યોગપતિ, મોટા-મોટા બિલ્ડરો આવી રહ્યા છે. રાજકોટથી 40 વેપારી જોડાયા છે અત્યારે જેના ઓર્ડર નોંધાશે તેની ડિલિવરી 2-3 મહિના બાદ મળશે.