ઇરાનમાં હિઝાબ આંદોલન બાદ પ્રથમ વખત સામાન્ય સંસદીય અને નિષ્ણાતોની સભા (એસેમ્બલી ઓફ એક્સપર્ટ ફોર લીડરશિપ)ની ચૂંટણી યોજાઇ રહી છે. આના માટે પહેલી માર્ચના દિવસે મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં મોંઘવારી, શિક્ષણ જેવા જનહિતના મુદ્દા ગાયબ દેખાઇ રહ્યા છે. પહેલી માર્ચના દિવસે મતદાન છે પરંતુ આ ચૂંટણીને લઇને ઇરાનના મતદારોમાં ઉત્સાહ ઓછો છે.
ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓથી લોકોના ધ્યાનને અન્યત્ર વાળીને સરકારના ઉમેદવારો અમેરિકા અને ઇઝરાયલને દુશ્મન ગણાવીને મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આના માટે સરકાર દુષ્પ્રચારનો પણ ઉપયોગ કરી રહી છે. આ પ્રકારના પ્રચાર માટે ઇસ્લામી માર્ગદર્શન અને સંસ્કૃતિ મંત્રાલયે પોતાની બાસિઝ ફોર્સને મેદાનમાં ઉતારી દીધી છે. બાસિઝ પોતાને અર્ધલશ્કરી દળોની જેમ ગણે છે.
અમીનીના મોતને લઇને જ્યારે વિરોધ પ્રદર્શન અને દેખાવો થઇ રહ્યા હતા ત્યારે બાસિઝે પણ આ દેખાવોને કચડી નાંખવા માટેની જવાબદારી સંભાળી હતી. ચૂંટણી દરમિયાન આ દરેક શહેરમાં તહેનાત છે. લોકો સુધી પોતાની વાતને પહોંચાડવા માટે ફોર્સના સભ્યો નુક્કડ નાટકો કરી રહ્યા છે. તેઓ લોકોને સામ્રાજ્યવાદની સામે પ્રહાર કરવાની અપીલ કરી રહ્યા છે.
સર્વોચ્ચ નેતાને મનાવવા ઉમેદવારોના તમામ પ્રયાસો
ઇસ્લામિક ધર્મગુરુઓની 12 ઇમામોની સંસ્થા ગાર્ઝિયન કાઉન્સિલે 290 સીટવાળા ચેમ્બર (સંસદ)ની ચૂંટણીમાં કુલ 15200 ઉમેદવારોને ચૂંટણી લડવા માટેની મંજૂરી આપી છે. સંસદીય ચૂંટણીમાં ઉમેદવારોએ અને ગઠબંધને ચૂંટણી પ્રચારમાં પોતાની યોજનાઓને લઇને કોઇ સ્પષ્ટતા કરી નથી. શિક્ષણ અને આરોગ્યની હાલત ખરાબ છે. આ તમામ સમસ્યાઓ હોવા છતાં ઉમેદવાર મુખ્ય રીતે શાસન અને સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ પ્રત્યે તેમની નિષ્ઠા દર્શાવવા સ્પર્ધા કરી રહ્યા છે. તેઓ માને છે કે ખામનેઇના વિશ્વાસને જીત્યા વગર ચૂંટણી જીતી શકાશે નહીં.