નવી દિલ્હી યુનાઈટેડ કિંગ્ડમના ટાઈમ્સ હાયર એજ્યુકેશન મેગેઝિનના વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં પહેલીવાર ભારતની 91 યુનિવર્સિટીને સ્થાન મળ્યું છે. આ મેગેઝિને દુનિયાભરની ટોચની 250 યુનિવર્સિટીની યાદીમાં ભારતીય યુનિવર્સિટીઓને સ્થાન આપ્યું છે. તેમાં બેંગલુરુની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સને ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે સ્થાન મળ્યું છે. 2017 પછી પહેલીવાર ભારતની એકસાથે આટલી યુનિવર્સિટીની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઈ છે.
આ મેગેઝિને ગયા વર્ષે ભારતની 75 યુનિવર્સિટીને વૈશ્વિક સ્તરની ગણાવી હતી. 2024ની આ યાદીમાં ભારત વૈશ્વિક સ્તરે સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતો ચોથો દેશ બન્યો છે, જે ગયા વર્ષે છઠ્ઠા ક્રમે હતો. આ રેન્કિંગમાં ભારતની અન્ના, જામિયા મિલિયા ઈસ્લામિયા, મહાત્મા ગાંધી યુનિવર્સિટી તેમજ શૂલિની યુનિવર્સિટી ઓફ બાયોટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ સાયન્સને પણ ટોચનું સ્થાન મળ્યું છે. આ તમામ યુનિવર્સિટી 501થી 600 બેન્ડમાં સામેલ છે. આ ઉપરાંત તેમાં ગુવાહાટીની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને ધનબાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (ઈન્ડિયન સ્કૂલ ઓફ માઈન્સ)ને પણ ટોચની 800 યુનિવર્સિટીમાં સ્થાન મળ્યું છે. આ બંને યુનિવર્સિટીને અનુક્રમે 1001થી 1200 અને 601થી 800 બેન્ડ મળ્યા છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને પણ 601થી 800 બેન્ડમાં સ્થાન મળ્યું છે, જે ગયા વર્ષે 801થી 1000માં હતું. એવી જ રીતે, કોઈમ્બતુરની ભરથિઆર યુનિવર્સિટી પણ ગયા વર્ષે 801થી 1000 બેન્ડમાં હતી, જે આ વર્ષે 601થી 800 બેન્ડમાં સામેલ છે. આ યાદીમાં જયપુરની માલવિયા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીએ 601થી 800 બેન્ડ સાથે પહેલીવાર સ્થાન હાંસલ કર્યું છે.