રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળ્યા બાદ સૌથી મોટો સવાલ એ છે કે- મુખ્યમંત્રી કોણ બનશે? આ સવાલનો જવાબ શોધવા જયપુરથી લઈને દિલ્હી સુધી હલચલ મચી ગઈ છે.
સીએમ પદની મુખ્ય દાવેદાર પૈકીની એક વસુંધરાએ ચૂંટણી પરિણામોના બીજા જ દિવસે શક્તિ પ્રદર્શન શરૂ કરી દીધું. સોમવારે સવારથી રાત સુધી 30થી વધુ ધારાસભ્યો જયપુર સ્થિત તેમના નિવાસસ્થાને તેમને મળવા પહોંચ્યાં હતા. જો કે, સમર્થકોનો દાવો છે કે 47 ધારાસભ્યો આવ્યા હતા.
ભાજપમાં મુખ્યમંત્રી પદના કેટલા દાવેદારો?
હકીકતમાં, રવિવારે યોજાયેલી વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામોમાં ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે 115 બેઠકો જીતી છે. આ પરિણામો બાદ રાજ્યના નવા મુખ્યમંત્રીના નામને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે.
પહેલો દાવો વસુંધરાનો છે, કારણ કે તેઓ બે વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અન્ય બે સીએમ ચહેરા રાજેન્દ્ર રાઠોડ અને સતીશ પુનિયા ચૂંટણી હારી ગયા છે.
હવે બાકી રહેલા ચહેરાઓમાં અર્જુનરામ મેઘવાલ, સીપી જોશી મુખ્ય છે, પરંતુ દિયા કુમારી, બાલકનાથના નામ પણ ચર્ચામાં છે.
આ સિવાય કિરોડી લાલ મીણા, કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, અશ્વિની વૈષ્ણવ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ઓમ માથુર, પૂર્વ સંગઠન મંત્રી પ્રકાશ ચંદના નામની પણ ચર્ચા થઈ રહી છે.