શહેરમાંથી પસાર થતી રેલવે ટ્રેક પરના ફાટક ઉપર ગેટમેનની બેદરકારીને કારણે માલવિયા કોલેજ પાસે ટ્રેન ફાટક નજીક આવી ગયા બાદ ફાટક ખુલ્લું હોવાનો વીડિયો ફરતો થયો હતો. જેને પગલે રેલવે અધિકારીએ ગેટમેન સામે કાર્યવાહી કરી છે.
સોશિયલ મીડિયામાં ફરતો થયેલા વીડિયો અંગે રેલવે સૂત્રોએ જણાવ્યું કે, ગત રાતે ઓખા-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન ગત મોડી રાતે રાજકોટથી ગોંડલ તરફ જઇ રહી હતી. ત્યારે માલવિયા કોલેજ નજીક પહોંચેલી ટ્રેન ઊભી રહી ગઇ હતી. રેલવે તંત્ર ઇલેક્ટ્રિક સિસ્ટમ સાથે જોડાયેલું હોય ટ્રેન ઊભી રહી ગયાની રેલવે અધિકારીઓને જાણ થઇ હતી. તપાસ કરતા ફાટક ખુલ્લું હોવાથી ટ્રેન ઊભી રહી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મોડી રાતે જ અધિકારીઓ માલવિયા કોલેજ પાસે ફાટક નં.11 પર દોડી ગયા હતા. ગેટમેન હરેશ દવે નામના કર્મચારીની પૂછપરછમાં તે ટ્રેનના સમયે ફાટક પર હાજર ન હતો. ટ્રેનની વ્હિસલ સાંભળ્યાં બાદ તેણે ફાટકને બંધ કર્યાનું જણાવ્યું હતું.
રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ, અગાઉ ગેટમેનની બેદરકારીને કારણે ફાટક પર અવારનવાર ટ્રેન અને વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા હતા. પરંતુ રેલવે તંત્રે ફાટક પર થતા અકસ્માતના બનાવો અટકાવવા માટે ઇલેક્ટ્રોનિક ઇન્ટર લોકિંગ સિસ્ટમ લાગુ કરી છે. જેમાં કોઇ પણ ફાટક ખુલ્લું હોય તો ત્યાંથી પસાર થતી ટ્રેનને ફાટક ક્રોસ કરવા માટેનું સિગ્નલ મળતું નથી. જેથી આ સિસ્ટમને કારણે જ ગત રાતે ફાટક ખુલ્લું રહી જતા ટ્રેન ફાટક પહેલા ઊભી રહી ગઇ હતી.