જામનગરના બેડીના જુના બંદર પર એક બોટમાં બે આતંકવાદી ઘાતક રાયફલ તથા બોમ્બ સાથે જામનગરમાં ઘૂસી જઈ એટેક કરવાનો પ્લાન કરતા હોવાના ઈનપુટ પરથી એસઓજી તથા બેડી મરીન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બે આતંકવાદીને બે રાયફલ તથા બોમ્બ સાથે અટકાયતમાં લીધા હતા. તે પછી આ કાર્યવાહી મોકડ્રીલ હોવાનું જાહેરાત થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
દરિયાઈ વિસ્તારમાંથી ઘૂસણખોરી કરવા માટે તલપાપડ
જામનગરની જિલ્લા એલઆઈબી શાખા દ્વારા બુધવારે જામનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ખાસ બાતમી પૂરી પાડવામાં આવી હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે, જામનગરના દરિયાઈ વિસ્તારમાંથી આતંકવાદીઓ ઘૂસણખોરી કરવા માટે તલપાપડ બન્યા છે અને તેઓ કોઈપણ ક્ષણે જામનગરમાં ઘૂસી જઈ એટેક કરી શકે છે. તે બાતમીના આધારે જામનગર શહેર ડીવાયએસપી જે.એચ. ચાવડાએ કાર્યવાહી કરવા સુચના આપતા જામનગર એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલ તથા બેડી મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એમ. કાંટેલીયાએ દરિયામાં પેટ્રોલિંગ શરૂ કરી દીધુ હતું.
મોકડ્રીલના ભાગરૃપે કરાઈ હોવાનો ખુલાસો
તે દરમિયાન જુના બંદરથી આગળ દરિયામાં એક બોટ શંકાસ્પદ હાલતમાં જોવા મળતા તે બોટને રોકાવવાનો ઈશારો કરાયા પછી તે બોટને ઘેરી લઈ પોલીસ સ્ટાફે તલાશી લેતા બોટમાંથી બે એકે-47, રાયફલ તથા એક બોમ્બ મળી આવ્યો હતો. તે બોટને સાવચેતીપૂર્વક કિનારે લાવવામાં આવ્યા પછી તેમાં રહેલા બે શકમંદોની પૂછપરછ આરંભાઈ હતી. જેમાં આ કાર્યવાહી પોલીસ ટીમની સતર્કતા ચકાસવા માટે મોકડ્રીલના ભાગરૃપે કરાઈ હોવાનો ખુલાસો કરાયો હતો.