અનૈતિક સંબંધોથી જન્મેલા બાળકને કાં તો ઘોડિયા ઘરમાં મૂકી દેવામાં આવે છે. અથવા નિર્જન સ્થળે તેના નસીબના ભોગે ફેંકી દેવામાં આવે છે. લોકલાજ થી બચવા માટે વધતા જતાં આવા કિસ્સા મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. ત્યારે ડીસામાં એક 17 વર્ષની કિશોરીએ બાળકીને જન્મ આપ્યા પછી કહ્યું હતું કે, મારે દીકરીને મારવી નથી. જેની જાણ હિંદુ યુવા સંગઠનને કરવામાં આવતા તેમણે નવજાત બાળકીને પાલનપુર ચિલ્ડ્રન હોમમાં મુકી હતી.
17 વર્ષની કિશોરીએ બાળકીને જન્મ આપ્યો
ડીસા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીએ જણાવ્યું હતું કે, વહેલી સવારે એક બહેનોનો ફોન આવ્યો હતો કે, બધા જ કામકાજ પડતા મૂકી અને હોસ્પિટલમાં આવો અમારી ઈજ્જતનો સવાલ છે. હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે ફોન કરનારી મહિલાએ જણાવ્યું હતું કે, ખેતરમાં છુટા છવાયા વિસ્તારમાં ઝુંપડા બનાવી રહેતાં પરિવારની 17 વર્ષની કુંવારી કિશોરીને કોઈ સાથે અનૈતિક સબંધ થઈ જતાં ગર્ભ રહી ગયો હતો. જેની તેની માતા અને પરિવારને જાણ થઈ હતી. જોકે, સમાજમાં કોઈને ખબર ન હોવાથી ડીસા લઈ આવ્યા હતા. જ્યાં તેણીએ બાળકીને જન્મ આપ્યો છે.
બાળકીને ચાઈલ્ડ હોમમાં મોકલવામાં આવી
જન્મ આપનારી કિશોરી એવું કંઈ રહી છે કે, મારે મારી દીકરીને મારવી નથી. આથી જો દીકરીને સાથે લઈ જઈએ તો ક્યાંય મોઢું બતાવવા લાયક રહેશું નહીં. જો ઘોડીયાઘરમાં સ્વીકારવામાં નહીં આવે તો રસ્તામાં ક્યાંક ફેંકી દઈશું. આથી મદદ કરો. તેમની વાત સાંભળ્યા પછી મને થયું કે, જો રસ્તામાંથી ત્યજી દેવાયેલી બાળકી મળી હોત તો પણ તેનો જીવ બચાવવો મારી પ્રથમ ફરજ બનત. આથી આ બાળકીને પાલનપુર ચાઈલ્ડ હોમમાં લઈ આવ્યો હતો. જ્યાં સરકારના નિયમ પ્રમાણેના ડોક્યુમેન્ટ્સ જમા કરાવી બાળકીને ત્યાં સોંપવામાં આવી છે.