પીએમએલએન સરકારની કેબિનેટમાં પીપીપી સામેલ નથી પાકિસ્તાનમાં શાહબાઝ શરીફે નવા પીએમની બાગડોર સંભાળી છે, પરંતુ તેમનો રસ્તો સરળ નથી. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા ઉપરાંત ગઠબંધન અને પાકિસ્તાની સેના સાથે તાલમેલ જાળવી રાખવો એક મોટો પડકાર છે. શાહબાઝને સત્તામાં રહેવા માટે હંમેશા સેનાની મદદની જરૂર પડશે. સેના પણ મદદ માટે તૈયાર છે કારણ કે તે પણ પાકિસ્તાનમાં રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા અને દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માગે છે.
દરમિયાન શાહબાઝ સરકારના મંત્રીઓને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે વિદેશ અને નાણા મંત્રાલય માટે મંત્રીઓના નામ પર અંતિમ નિર્ણય પાકિસ્તાની સેના લેશે. પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ સરકારનો સૌથી મોટો પડકાર અર્થતંત્ર છે, કારણ કે પાકિસ્તાનમાં મોંઘવારી 30%ના રેકોર્ડ દરે વધી રહી છે અને આર્થિક વિકાસ દર લગભગ સ્થિર છે. બીજી તરફ મોંઘવારી તેમજ ખોરાક-પાણીની પણ કટોકટી છે. સેન્ટ્રલ બેન્કના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન પાસે જૂન 2024માં 1.99 લાખ કરોડ રૂપિયાના વિદેશી દેવાની સામે 66 હજાર કરોડ રૂપિયા રિઝર્વ છે.
પાકિસ્તાનને ડિફોલ્ટથી બચાવવા માટે આઈએમએફના રૂ. 24,900 કરોડના રાહત પેકેજની સમયમર્યાદા આ મહિનાના અંતમાં સમાપ્ત થવા જઈ રહી છે. નોંધનીય છે કે ચૂંટણીને લઈ પાકિસ્તાનમાં ભારે આરાજકતાભર્યો માહોલ જોવા મળ્યો હતો.