રાજ્ય સરકારે રખડતા ઢોર મુદ્દે આકરી કાર્યવાહી કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે જેના આધારે જે તે મહાનગરપાલિકા અને નગરપાલિકાએ નિયમ બનાવવાના છે. અમદાવાદ મહાનગરપાલિકાએ આ માર્ગદર્શિકા મુજબ નવી પોલિસી બનાવી તેને લાગુ કરી દીધી હતી. જ્યારે નવી પોલિસી સૌથી સરળ રીતે રાજકોટમાં લાગુ થાય તેવી શક્યતા હતી કારણ કે માર્ગદર્શિકા કરતા પણ વધુ આકરા નિયમો મનપાએ બનાવેલા છે. પણ તેનાથી વિરુદ્ધ થયું અને સ્ટેન્ડિંગ કમિટીમાં જ નવી પોલિસી લાગુ કરવા પર બ્રેક લાગી છે અને હાલ પૂરતી દરખાસ્ત પેન્ડિંગ રહી છે.
મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર કરતા પણ વિસ્તૃત પોલિસી બનાવી છે અને જૂના નવા 7 નિયમો ઉમેર્યા છે. આ કારણે શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ઓછો થાય તેવી પૂરી શક્યતા હતી. માત્ર પોલિસી જ લાગુ કરવાથી નહિ પણ આકરી કાર્યવાહી કરવી પડશે તે પણ નક્કી થઈ જતા ટ્રેક્ટર અને ટ્રોલી સહિતની 35 લાખની મશીનરી વસાવવા માટે પણ ટેન્ડર થયા હતા. નવી પોલિસી અને ટેન્ડરની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મુકાઈ હતી. જોકે તે પહેલા સંકલનની બેઠકમાં જ આ દરખાસ્ત પેન્ડિંગ રાખવા ચર્ચા થઈ હતી. જેને લઈને પોલિસી અટકી છે જ્યારે મશીનરીની ખરીદીને લીલીઝંડી આપી દેવાઈ છે.