કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા મંગળવારે ચાલતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસ પહોંચ્યા. જ્યાં ગુરુગ્રામના શિકોપુર જમીન કૌભાંડમાં તેમની 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. તેમને કાલે ફરીથી ED દ્વારા બોલાવવામાં આવ્યા છે.
જમીન સોદા સંબંધિત મની લોન્ડરિંગ તપાસમાં પૂછપરછ માટે ED દ્વારા તેમને મોકલવામાં આવેલું આ બીજું સમન્સ હતું. વાડ્રા અગાઉ 8 એપ્રિલે મોકલવામાં આવેલા પહેલા સમન્સમાં હાજર થયા ન હતા.
ED ઓફિસ જતી વખતે વાડ્રાએ કહ્યું, "જ્યારે પણ હું લોકોનો અવાજ ઉઠાવું છું અથવા રાજકારણમાં આવવાનો પ્રયાસ કરું છું ત્યારે આ લોકો મને દબાવશે અને એજન્સીઓનો દુરુપયોગ કરશે. હું હંમેશાં બધા સવાલોના જવાબ આપું છું અને આપતો રહીશ. આ કેસમાં કંઈ નથી. હું ત્યાં 20 વાર ગયો છું અને 15-15 કલાક બેઠો છું. મેં 23 હજાર ડોક્યુમેન્ટ આપ્યા છે, પછી તેઓ ફરીથી મને કહે છે, ડોક્યુમેન્ટ આપો, આવું થોડું ચાલે છે." વાડ્રાની સાથે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દ્ર સિંહ હુડ્ડા પણ આ કેસમાં આરોપી છે. તેમના પર આરોપ છે કે તેમણે મુખ્યમંત્રી હતા ત્યારે વાડ્રાની કંપનીને ફાયદો કરાવ્યો હતો.