રાજકોટ આરટીઓમાં છેલ્લા બે દિવસથી ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં ટેક્નિકલ ખામી હોવાને કારણે બંધ કરી દેવાયો છે. હજુ પણ આ ટેક્નિકલ ખામી ક્યારે સોલ્વ થશે તે હજુ અનિશ્ચિત હોવાનું જાણવા મળ્યું છે. બે દિવસથી ટ્રેક બંધ હોવાને કારણે ટુ વ્હિલર અને ફોર વ્હિલરની 500થી વધુ એપોઇન્ટમેન્ટ હાલ રદ કરવી પડી છે. હવે જ્યારે ટ્રેક શરૂ થશે ત્યારે સૌથી પહેલા જે અરજદારોની અગાઉની એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવી છે તેમને તારીખ આપવામાં આવશે.
સોફ્ટવેરમાં ટેક્નિકલ સમસ્યા સર્જાતા ટેસ્ટ બંધ કરવાની ફરજ પડી છે જેના કારણે બે દિવસમાં અંદાજે 500 કરતા વધુ ટેસ્ટ રદ કરવા પડ્યા છે. ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરને અગાઉ જે કંપની દ્વારા ટેક્નિકલ સપોર્ટ આપવામાં આવતો હતો તે છેલ્લા 4 વર્ષથી કોન્ટ્રાક્ટ રિન્યૂ ન થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આખરે સોફ્ટવેર આધારિત સમગ્ર વ્યવસ્થા ખોરવાતા રાજકોટ RTOએ ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ કરી દેવાની ફરજ પડી છે. સરકારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેર માટે કોઈ જ ટેક્નિકલ સપોર્ટની વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરતા આ સ્થિતિ સર્જાઈ છે.