શહેરની ભાગોળે ગોંડલ રોડ ચોકડી પાસે આજે સવારે છ વાગ્યાના અરસામાં રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને પૂરઝડપે ધસી આવેલી કાર ઠોકર મારી નાસી ગઇ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધે સ્થળ પર જ દમ તોડ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. મૃતક પાસેથી મળી આવેલા મોબાઇલથી તેમના પુત્રને ફોન કરી બનાવની જાણ કરી હતી.
ત્યારે કોઠારિયા મેઇન રોડ, શિવમપાર્ક-2માં રહેતા શુભમગીરી ગોસાઇ નામનો યુવાન સ્થળ પર દોડી આવ્યો હતો. તેની પૂછપરછમાં મૃતક તેના પિતા ભૂપતગીરી ઇશ્વરગીરી ગોસાઇ હોવાનું જણાવ્યું હતું. અકસ્માત સર્જી નાસી ગયેલી કારની નંબર પ્લેટ સ્થળ પરથી મળી આવી હોય પોલીસે નંબરના આધારે ગુનો નોંધી ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.