હાલ તેની વય માત્ર આઠ વર્ષની છે. તેને અભ્યાસ, રેસ અને વીડિયો ગેમ પસંદ છે પરંતુ નાની વયમાં જ તે દલાઇ લામા અને ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના સંઘર્ષના કેન્દ્રમાં આવી ગયો છે. મોંગોલિયામાં જન્મેલા આ બાળકનું નામ એ. અલ્તાન્નાર છે. થોડાક મહિના પહેલાં દલાઇ લામાએ ભારતમાં એક કાર્યક્રમ દરમિયાન ઉપાસકોની ભીડ વચ્ચે તેને રજૂ કર્યો હતો. મોંગોલિયાએ આને 10માં બોગડ તરીકે સ્વીકારીને તેની પસંદગી પર ખુશી વ્યક્ત કરી હતી.
હકીકતમાં બોગડ તિબેટ બૌદ્ધ ધર્મમાં એક મહત્ત્વપૂર્ણ હસ્તી છે. મોંગોલિયામાં તેમને આધ્યાત્મિક નેતા માનવામાં આવે છે. 2012માં અંતિમ બોગડના નિધન બાદ આ ચિંતા હતી કે ચીન આગામી બોગડની પસંદગીમાં દરમિયાનગીરી કરશે. ચીને 1995માં એક બાળકનું અપહરણ કરી લીધું હતું જેને દલાઇ લામાએ પંચેન લામા નામ આપ્યું હતું. તે તિબેટ બૌદ્ધ ધર્મમાં બીજી સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ હતી.
જોકે એ. અન્તન્નાર માટે આ તમામ બાબતો સરળ ન હતી. મોંગોલિયામાં ખાણ જૂથ સાથે જોડાયેલા પરિવારમાં જન્મેલા આ બાળક અને તેના જોડકા ભાઇને તેમના પિતા ઉલાનબટોરના એક મઠમાં લઇ ગયા, જ્યાં તેના અને અન્ય સાત બાળકોના ગુપ્ત ટેસ્ટ થયા હતા. આમાંથી કેટલાક તેમનાં માતાપિતાથી અલગ થવા માટે રાજી થયાં ન હતાં. બાળકોને ધાર્મિક મેજ પર ધાર્મિક વસ્તુઓ દર્શાવવામાં આવી હતી. કેટલાંક બાળકો કેન્ડીથી પ્રભાવિત થયાં, પરંતુ એ. અલ્તાન્નારે પ્રાર્થનાની માળા પહેરી લીધી હતી. ધાર્મિક વિદ્ધાન બાટા મિશિગીશ કહે છે કે આ ખાસ સંકેત હતા જેને અવગણી શકાય તેમ ન હતા. આખરે બોગડના નિધન બાદ અનુયાયી લોકો માટે નવા બોગડની પસંદગી કરવી પડકારરૂપ બાબત હતી. ટીમે 2014-2015માં ઉલાનબટોરમાં જન્મેલા 80 હજાર બાળકોનાં નામ કાઢ્યાં હતાં.