નામાંકિત ચીજવસ્તુઓના નામે ડુપ્લિકેટ વસ્તુઓનું શહેરની બજારોમાં બેરોકટોક વેચાણ કરી કૌભાંડ આચરી રહ્યાં છે. ત્યારે શહેરમાંથી વધુ એક નામાંકિત સિમેન્ટ કંપનીની બેગમાં નકલી સિમેન્ટ ધાબડી વેચાણ કરવાનું કૌભાંડ પકડાયું છે. બનાવ અંગે મહારાષ્ટ્રની ડિટેક્ટિવ કંપનીમાં સર્ચિંગ ઓફિસર તરીકે નોકરી કરતા નીતિન નારાયણભાઇ ઠાકરેએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની કંપનીએ નામાંકિત અલ્ટ્રાટેક સિમેન્ટ નામની કંપની સાથે છેતરપિંડીને લગતા ગુનાઓની તપાસ અંગેના કરાર કરેલા છે.
ત્યારે બુધવારે ઘંટેશ્વર 25 વારિયાના ક્વાર્ટર નં.1452ની સામે આવેલા એક વંડામાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની બેગમાં પ્રશાંત ચીમન મારૂ નામનો શખ્સ હલકી ગુણવત્તાનો સિમેન્ટ ભરી વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી. જે માહિતી બાદ સ્પે.ઓપરેશન ગ્રૂપના પીઆઇ જે.ડી.ઝાલાને જાણ કરતા પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન વંડામાંથી માહિતી મુજબનો સોમનાથ સોસાયટી-3માં રહેતો પ્રશાંત મારૂ મળી આવ્યો હતો. ત્યારે વંડામાં તપાસ કરતા એક ઓરડીમાંથી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની સિમેન્ટ ભરેલી 33 બેગ, 80 જેટલી ખાલી બેગ ઉપરાંત બેગને સીલ કરવા માટે ત્રણ સીલાઇ મશીન, એક વજનકાંટો, તગારુ-ચાળણો વગેરે મળી કુલ રૂ.61,975નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પ્રશાંત મારૂની પૂછપરછ કરતા તે રેતી-કપચીનો વેપાર કરે છે.