દેશના યુવાનો હવે મ્યુચ્યુઅલ ફંડ રૂટને બદલે સીધા જ ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. ફિનટેક બ્રોકરેજ ફર્મ એન્જલ વનની પહેલ ફિન વનના એક રિપોર્ટ અનુસાર 93% યુવા વયસ્કો સતત બચતને પ્રાધાન્ય આપી રહ્યા છે, જેમાંથી મોટા ભાગના યુવાનો દર મહિને કુલ આવકના 20-30% રકમની બચત કરવાનું પસંદ કરે છે.
તદુપરાંત, પસંદગીના રોકાણ તરીકે સ્ટોક્સ પ્રથમ સ્થાને છે, જેમાં 45% યુવા રોકાણકારો ફિક્સ્ડ ડિપોઝિટ, સોનું જેવા પરંપરાગત વિકલ્પોને બદલે શેર્સમાં રોકાણ કરવાને વધારે પ્રાધાન્ય આપી રહ્યાં છે. અત્યારે દેશના 58% યુવા રોકાણકારો શેર્સમાં રોકાણ કરે છે, જ્યારે 39% મ્યુચ્યુઅલ ફંડને પ્રાથમિકતા આપી રહ્યા છે. જો કે ફિકસ્ડ ડિપોઝિટ (22%) અને રિકરિંગ ડિપોઝિટ્સ (26%)માં યુવાનો ઓછુ રોકાણ કરે છે. જે યુવાનોમાં સ્થિર બચત અને ઊંચા વળતર વચ્ચે સંતુલિત અભિગમ દર્શાવે છે.
રિપોર્ટમાં દેશના 13 શહેરોના 1,600 યુવા ભારતીયોના ડેટા એકત્ર કરવામાં આવ્યા હતા, જેમાં તેમનું બચતનું વલણ, રોકાણની પસંદગી, નાણાકીય સાક્ષરતા અને ટેક્નોલોજી અને ફાઇનાન્સિયલ ટૂલનો ઉપયોગ સામેલ છે. રિપોર્ટમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ અને ટેક્નોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં 68% યુવાનો નિયમિતપણે ઓટોમેટેડ સેવિંગ ટૂલનો ઉપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.