યુક્રેન વિરુદ્ધ રશિયાના હુમલા 216મા દિવસે પણ યથાવત્ છે. આ દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિન દ્વારા એક સપ્તાહ પહેલાં અપાયેલા આદેશને પગલે રશિયામાં ખળભળાટ મચી ગયો છે. પુટિને 3 લાખ રિઝર્વ સૈનિકોને યુક્રેન મોકલવાનો આદેશ આપ્યો છે.
રશિયાના કાયદા અનુસાર દેશમાં રહેતા લોકોને યુદ્ધ દરમિયાન સરકાર સૈન્યમાં ભરતી કરી શકે છે. ભૂતકાળમાં સૈન્યમાં કામ કરી ચૂકેલા લોકોને પસંદ કરવામાં આવશે. આ આદેશ બાદ લોકોમાં ફફડાટ છે કે ક્યાંક તેમને પણ સરહદે મોકલી દેવાય નહીં એટલે તેઓ દેશ છોડી રહ્યા છે. તેમનું એમ પણ કહેવું છે કે અમે આ અંતહીન યુદ્ધમાં યુક્રેન વિરુદ્ધ લડવા માગતા નથી. આ કારણોસર લોકો પોતાની કાર કે અન્ય વાહનોમાં રશિયા છોડીને જ્યોર્જિયા જઈ રહ્યા છે.
પુટિનના નજીકના ગણાતા બિઝનેસમેન યેવગેની પ્રિગોઝિને જણાવ્યું હતું કે લોકો સૈન્યમાં જોડાતા ડરી રહ્યા છે. તેનો અર્થ એ છે કે યુક્રેન પર હુમલાના પુટિનના નિર્ણયને લોકોનું સમર્થન નથી. સાઇબેરિયામાં ગોળી વાગવાથી એક સૈનિકનું મોત થયું છે. તે તાજેતરમાં જ સૈન્યમાં જોડાયો હતો. એ પછી લોકો સૈન્યમાં જોડાતા ડરી રહ્યા છે.