મહિલા ટ્રાફિક બ્રિગેડને તેના પતિએ ફડાકા મારી કાનનો પડદો તોડી નાખ્યાની ઘટના સામે આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રેલનગરમાં રહેતા અને મહિલા ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતા ઉર્મિલાબેન કમલેશભાઇ દેવમુરારીએ તેના પતિ કમલેશ ધીરજલાલ દેવમુરારી સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, 12 વર્ષ પહેલાં તેના લગ્ન કમલેશ સાથે થયા હતા અને સંતાનમાં એક 11 વર્ષનો પુત્ર હોવાનું જણાવ્યું હતું. ફરિયાદમાં વધુ જણાવ્યું હતું કે, અગાઉ બે માસ પહેલાં પતિ મારકૂટ કરી ત્રાસ આપતો હોય જેથી તે તેના માવતરના ઘરે રહેતી હોવાનું જણાવ્યું હતું.
તા.29-6ના રોજ તેના પતિના ઘેર ગયા હતા અને તેના પુત્રની શાળામાં પ્રવશે ઉત્સવ અનુસંધાને મિટિંગ હોય જેમાં કોઇ વાલી ગયા ન હોય જેથી તમે શાળાએ જઇને આવજો કહેતા તેના પતિએ કહ્યું કે, તારે જવું હોય તો જાજે નહીંતર ન ભણાવવો હોય તો તેને સ્કૂલમાંથી ઉઠાડી લે જેથી તેને પુત્ર પ્રણવની જિંદગી થોડી બગાડાઇ તેમ કહેતાં તેની સાથે ઝઘડો કરી તારે એને ભણાવો હોય તો ભણાવ નહીંતર કાંઇ નહીં જેથી તેને કહ્યું કે, મને પણ શાંતિથી નથી રાખતા અને માનસિક ત્રાસ આપતા હોય જેથી હું મારા માવતરના ઘેર જતી રહી હતી તેમ કહેતા તેને ઉશ્કેરાઇ જઇ ફડાકા ઝીંકી દેતા તેને તેના પિતાને ફોન કરી માર માર્યાની વાત કરતાં તેનો ભાઇ આવીને તેને તેડી ગયો હોય અને ત્યાર બાદ તેની નોકરી પરાબજાર ખાતે હોય ફરજ પર હતા ત્યારે અચાનક કાનમાં દુખાવો થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેમાં તબીબે તેના કાનનો પડદા તૂટી ગયાનું જણાવતા તેની સારવાર કરાવ્યા બાદ તેને ફરિયાદ કરી હોવાનું જણાવતા પીએસઆઇ ભગોરા સહિતે નવા કાયદા મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.