ગુજરાતમાં નવરાત્રિના ગરબા દરમિયાન અને તે પૂર્વે પણ યુવાન વયના નાગરિકોને હરતાં ફરતાં આવી જતા હૃદયરોગના હુમલાને કારણે થઇ રહેલા મૃત્યુના કિસ્સા બાબતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી તથા ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ટકોર કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સફાળા જાગ્યા છે. સોમવારે તેમણે ટોચના હૃદય નિષ્ણાતો અને યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ડોકટરો સાથે બેઠક યોજી હતી અને તેમને સંબંધિત ડેટા એકત્રિત કરવા અને આ મૃત્યુનું ચોક્કસ કારણ શોધવા માટે સંશોધન કરવા નિર્દેશો આપ્યા હતા.
સૂત્રો જણાવે છે કે આ કોઇ અધિકૃત બેઠક ન હતી, પરંતુ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના કામને લઇને ચર્ચા કરવા આવેલા હૃદયરોગના તજ્જ્ઞો સાથે મંત્રીએ આ મુદ્દો છેડીને તેની વિગતો મેળવવા માટે જણાવ્યું હતું. આનંદીબેન પટેલે આવાં હુમલા માટે કોવિડ-19 કે રસી જવાબદાર હોય છે તે બાબતને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સંશોધનને ટાંકીને ફગાવી દીધી હતી. આ જ અંગે રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ નિષ્ણાતો સાથેની ચર્ચામાં પૃચ્છા કરી હતી, તેના સંદર્ભે તબીબોએ પણ જણાવ્યું હતું કે આવાં હુમલા આધુનિક જીવનશૈલી અને તેમાં કેટલાંક ફેરફારને કારણે થાય છે, પરંતુ તેમાં કોવિડ સીધી કે આડકતરી રીતે અસરકારક નથી. નવરાત્રીના તહેવારો શરૂ થાય તે પહેલાં, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે, એક પરિપત્ર દ્વારા, ગરબા ઇવેન્ટના આયોજકો માટે સ્થળ પર એમ્બ્યુલન્સ અને તબીબી ટીમ તૈનાત કરવાનું ફરજિયાત બનાવ્યું હતું જેથી ખેલૈયાઓને આવી સમસ્યા થાય તો ત્વરિત સારવાર આપી શકાય.