આરબીઆઇ દ્વારા અનસિક્યોર્ડ લોન્સને લઇને અપનાવવામાં આવેલું કડક વલણ એ ટકાઉપણાના હિતમાં લેવાયેલું એક સતર્કતાભર્યું પગલું છે. બેન્કિંગ સિસ્ટમની સ્થિતિસ્થાપકતા જળવાઇ રહે તેમજ બેન્કિંગ સિસ્ટમને લઇને કોઇ ચિંતાનું કારણ ન ઉદ્દભવે તે સુનિશ્ચિત કરવા માટે આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે બેન્કોને વધુ સતર્ક રહેવા અને જોખમને દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
વાર્ષિક FIBAC સંમેલનને સંબોધિત કરતા દાસે જણાવ્યું હતું કે તાજેતરમાં અમે બેન્કિંગ સિસ્ટમની સ્થિતિસ્થાપકતા માટે કેટલાક નિયમનકારી પગલાં લીધા છે અને તેમાં ખાસ કરીને અનસિક્યોર્ડ લોન્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે વધુમાં જણાવ્યું હતું કે દેશનું ફાઇનાન્સિયલ સેક્ટર સારું પ્રદર્શન કરી રહ્યું છે. પરંતુ બેન્કો તેમજ એનબીએફસીએ લોન વિતરણના મામલે અતિશય ઉત્સાહથી બચવાની જરૂર છે. અનસિક્યોર્ડ લોનને લઇને રિસ્ક વેટેજ વધારવાનો નિર્ણય એ સતર્કતાભર્યું વલણ છે. જો કે ગ્રોથની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા હોમ, વ્હીકલ લોન અને નાના બિઝનેસને અપાતી લોનને આ ઉપાયોમાંથી બહાર રાખવામાં આવી છે.
લોન વિતરણમાં ટકાઉ ગ્રોથ માટે અતિ ઉત્સાહથી બચવા માટેની સલાહ આપી હતી. તદુપરાંત બેન્કો તેમજ એનબીએફસીએ લોન સંબંધિત કોઇપણ નિર્ણય કરવા માટે માત્ર પૂર્વ નિર્ધારિત એલ્ગોરિધમ પર નિર્ભરતાને લઇને સાવધાન રહેવા જરૂરિયાત છે.