ICC તેની દરેક ટૂર્નામેન્ટમાં ઓછામાં ઓછી એક ભારત-પાકિસ્તાન મેચનું આયોજન કરે છે. આ બન્ને કટ્ટર હરીફો 2024ના T20 વર્લ્ડ કપમાં પણ ટકરાશે. આ વર્લ્ડ કપ વેસ્ટઈન્ડિઝ અને અમેરિકા સંયુક્ત રીતે યોજાનાર છે. અમેરિકન ક્રિકેટ બોર્ડના પ્રમુખ અતુલ રાયે દાવો કર્યો છે કે ભારત-પાકિસ્તાનની મેચ વેસ્ટઈન્ડિઝમાં નહીં પણ અમેરિકામાં થશે.
રાયે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'ફ્લોરિડામાં ભારત-વેસ્ટઈન્ડિઝની મેચને સ્થાનિક પ્રશંસકો તરફથી શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. મેચની તમામ ટિકિટો વેંચાઈ ગઈ હતી. એટલા માટે અમને લાગે છે કે જો ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ પણ અહીં યોજાય તો તેને ચાહકોનો જબરદસ્ત સમર્થન મળશે.'
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઑગસ્ટમાં ભારતે વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 5 T20 અને 3 વન-ડે સિરીઝ રમી હતી. છેલ્લી T20 ફ્લોરિડામાં રમાઈ હતી, જે ભારતે 88 રને જીતી હતી. ટીમ ઈન્ડિયાએ આ T20 સિરીઝ 4-1થી પોતાના નામે કરી હતી.