ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં હાલ આડેધડ પાર્કિંગ અને દબાણની સમસ્યાઓ છે. ત્યારે મનપા દ્વારા બંને સમસ્યાઓનું સમાધાન મળે તે દિશામાં પ્રયત્નો શરૂ કરાયા છે. સ્થાયી સમિતિ ચેરમેન જશવંત પટેલની અધ્યક્ષતામાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે. જેમાં શહેર માટે પાર્કિંગ તથા સ્ટ્રીટ વેન્ડિંગ માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કામગીરી સોંપાઈ છે.
શહેરની ટ્રાફિકની સમસ્યા તેમજ ગેરકાયદેસર લારી-ગલ્લાનાં દબાણોના પ્રશ્નોના નિવારણ થાય તે માટે અમદાવાદ સ્થિત અર્બન મેનેજમેન્ટ કન્સલટન્ટને કામગીરી સોંપાઈ છે. એજન્સી દ્વારા 4 મહિનામાં પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડરનો માસ્ટર પ્લાન તૈયાર કરીને આપશે. જે કામ માટે મનપા એજન્સીને 23.20 લાખ રૂપિયા ચુકવી આપશે.
માટે સરવે કરીને નાગરિકોનો પ્રતિભાવો પણ લેવાશે
એજન્સી દ્વારા શહેરમાં ક્યાં કેટલો ટ્રાફિક રહે છે, ક્યાં પાર્કિંગની વધુ જરૂરિયાત છે, ક્યાં પેઈડ પાર્કિગ અને ક્યાં ફ્રી પાર્કિંગ ઉભા કરી શકાય તે અંગે રિપોર્ટ તૈયાર કરાશે. આ માટે સરવે કરીને નાગરિકોનો પ્રતિભાવો પણ લેવાશે. નાગરિકોના વાંધાસૂચનો મેળવી જરૂરિયાત મુજબના ફેરફાર કરીને મનપા દ્વારા સરકારમાં આખરી મંજૂરી માટે મોકલાશે.