અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ ઉપર ટોળાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ આજે મોડી સાંજે એસ્ટેટ વિભાગની ટીમ સાથે સિવિલ હોસ્પિટલ પાસે રોડ પરના દબાણો દૂર કરવા ગયા હતા. તે દરમિયાન લોકોના ટોળાએ રમ્ય ભટ્ટ ઉપર હુમલો કરી તેમને લોહીલુહાણ કર્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત રમ્ય ભટ્ટને સારવાર અર્થે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.
અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈનના શાહીબાગ વોર્ડમાં આવતા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ગેટની બહારના ભાગે અનેક લારી ગલ્લાનું દબાણ છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોય છે. આ દબાણ દૂર કરવા માટે જ્યારે એસ્ટેટ વિભાગની ટીમ ત્યાં પહોંચી ત્યારે સ્થાનિક લોકોએ ઘર્ષણ કર્યું હતું અને બોલાચાલી બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ ઉપર હુમલો કરી દીધો હતો.