આંધ્રપ્રદેશના વિજયાનગરમ જિલ્લામાં બે ટ્રેનો સામસામે અથડાઈ છે. આ અકસ્માતમાં 8 મુસાફરોના મોત થયા છે. જ્યારે 25 મુસાફરો ઘાયલ થયા છે. વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ હતી. આ અકસ્માત વિજયાનગરમ જિલ્લાના અલમાંડા-કંકટપલ્લી વચ્ચે થયો હતો.
દક્ષિણ કોસ્ટ રેલવે ઝોનના એક અધિકારીએ જણાવ્યું કે ટ્રેન 08532 વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર, 08504 વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સાથે અથડાઈ હતી, પરિણામે ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
રાહત અને સહાય કામગીરી ચાલી રહી છે વોલ્ટેર ડિવિઝનલ રેલવે મેનેજર (DRM)એ જણાવ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે, સ્થાનિક વહીવટીતંત્ર અને NDRFને સહાય અને એમ્બ્યુલન્સ માટે જાણ કરવામાં આવી છે. અકસ્માત રાહત ટ્રેનો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તે જ સમયે, મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે સીએમ વાયએસ જગનમોહન રેડ્ડીએ રાહત કાર્ય માટે તમામ વ્યવસ્થા કરવા કહ્યું છે. એમ્બ્યુલન્સ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
પીએમ મોદીએ અકસ્માત અંગે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી. તેમણે અકસ્માતથી પ્રભાવિત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા જણાવ્યું. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.