ઇઝરાયલ-હમાસ યુદ્ધ ધીમે-ધીમે અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર રવિવારે યમનના હુતી વિદ્રોહીઓએ રાતા સમુદ્રમાં ત્રણ જહાજો પર બેલેસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો હતો. જેમાંથી 2 ઇઝરાયલના જહાજ હોવાનું કહેવાય છે. તેમના નામ યુનિટી એક્સપ્લોરર અને નંબર નાઈન છે. આ સિવાય યમનના હોદેદા બંદરથી 101 કિલોમીટર દૂર એક શિપ કન્ટેનરને નુકસાન થયું હોવાની પણ માહિતી છે.
તે જ સમયે, અમેરિકાએ કહ્યું છે કે તેણે રાતા સમુદ્રમાં તેના યુદ્ધ જહાજ પર હુમલો કરવા જઈ રહેલા 3 ડ્રોનને તોડી પાડ્યા છે. એક અમેરિકન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે હૂતી વિદ્રોહીઓ દ્વારા હુમલો લગભગ 5 કલાક સુધી ચાલુ રહ્યો હતો. આ સવારે 10 વાગ્યે શરૂ થયા હતા. ગયા મહિને હૂતી વિદ્રોહીઓએ તુર્કીથી ભારત આવી રહેલા જહાજને હાઇજેક કરી લીધું હતું. હૂતીઓનું કહે છે કે તેઓ ઇઝરાયલી જહાજો પર હુમલો કરવાનું ચાલુ રાખશે.
ઉત્તરી ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધર્યા બાદ ઇઝરાયલી સેના હવે દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે. આ માટે લોકોને ઘણાં વિસ્તારો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં ઇઝરાયલના બોમ્બમારામાં ગાઝાના 316 લોકો માર્યા ગયા છે. જ્યારે 600થી વધુ ઘાયલ છે. ઇઝરાયલની સ્થાનિક ગુપ્તચર સંસ્થા રોનેન બારે વચન આપ્યું છે કે તે લેબનોન, તુર્કીથી કતાર સુધી હમાસને શોધીને મારી નાખશે. ભલે ગમે તેટલા વર્ષો લાગે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ એક નવી યોજના બનાવી છે અને તેનો અમલ શરૂ કરી દીધો છે. 'ફોક્સ ન્યૂઝ' અનુસાર - IDF ગાઝાને ઘણા ભાગોમાં વહેંચી રહ્યું છે. આ હેઠળ તે હમાસના આતંકવાદીઓને અલગ કરવા અને તેમના પર અંતિમ હુમલો કરવા માગે છે.
આ દરમિયાન લેબનોનથી ઇઝરાયલના શહેરો પર હુમલા વધી ગયા છે. હવે ત્યાંથી એન્ટી ટેન્ક મિસાઈલ છોડવામાં આવી રહી છે. કેટલાક ઇઝરાયલ સૈનિકો પણ ઘાયલ થયા છે.