Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

છત્તીસગઢમાં નક્સલવાદ ઘટાડવાના દાવા વચ્ચે બસ્તરના વિસ્તારોમાં આજે પણ સ્થિતિ બહુ સારી નથી. હવે સ્થિતિ એ છે કે લોકતંત્રમાં વિશ્વાસ રાખનારા લોકો મતદાન કરવા ઈચ્છે તોપણ નહીં કરી શકે. કારણ છે- મતદાન કરાવનારા સરકારી કર્મીઓને નક્સલોથી લાગતો ડર.

હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે બિજાપુર જિલ્લામાં લોકોએ મત આપવા 100 કિ.મી. દૂર જવું પડશે. આ જિલ્લામાં ચેરપલ્લી, સેન્ડ્રા, પલસેગુંડી, ઈરપાગુટ્ટા અને એડાપલ્લી જેવા અનેક પોલિંગ બૂથને સુરક્ષાના કારણસર ભોપાલપટનમ ખસેડી દેવાયા છે. અહીં ચૂંટણી અધિકારીઓ મતદાન તો કરાવી દેશે પણ જે મતદારોનું નામ નોંધાયેલું છે, તેઓ ત્યાં પહોંચશે કેવી રીતે તેનો જવાબ કોઈ પાસે નથી. આ વિસ્તારોમાં નક્સલોએ લોકોને મતદાનનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે. અહીં આશરે પાંચ હજાર મતદારો છે.

બિજાપુરના ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજેન્દ્ર કટારા કહે છે કે અહીં જંગલમાં 60 કિ.મી. સુધી સુરક્ષાદળો જઈ નથી શકતા તો વ્યવસ્થા કેવી રીતે થાય? અમારી ટીમ ત્યાં જતા જતા જ ખતમ થઈ શકે છે. એક પણ જવાન શહીદ થઈ જશે તો આખી મતદાન પ્રક્રિયા નકારાત્મક થઈ જશે.

ચૂંટણી ટીમ હેલિકોપ્ટરમાં જશે પણ મતદારો માટે વાહનોની વ્યવસ્થા નથી
નારાયણપુર જિલ્લામાં મત આપવા 90 કિ.મી.નું પગપાળા અંતર કાપવું પડે. અહીં પાલબેડા પાલેમેટા પોલિંગ બૂથને સોનપુરની એક સ્કૂલમાં ખસેડાયું છે, જે 45 કિ.મી. દૂર છે. એવી જ રીતે, ગટ્ટાકાલના લોકોએ 40 કિ.મી. દૂર ઓરછાની સ્કૂલમાં મત આપવા જવું પડશે. પાંગુડ અને કોંગેના બૂથ નાના બેઠિયા ખસેડાયા છે. અહીં લોકોએ 22-27 કિ.મી. ચાલીને આવવું પડશે. નારાયણપુર કલેક્ટર અજિત વસંત કહે છે કે અંતરિયાળ વિસ્તારોમાં પોલિંગ બૂથ નથી બનાવાયાં. તમામને રસ્તાના કિનારે ખસેડી દેવાયાં છે. બીજી તરફ, રાજ્યના 148 બૂથ પર ચૂંટણીપંચની ટીમો હેલિકોપ્ટરમાં જશે જ્યારે ગ્રામીણો માટે વાહન સુદ્ધાં નથી.