શહેરમાં શીતલ પાર્ક પાસે ઓફિસ ખોલી શેરબજારમાં રોકાણ કરી સારું એવું વળતર ચૂકવશે તેવી લોભામણી લાલચ આપી એડવોકેટ સહિતના લોકોને શિકાર બનાવી રૂ.14.80 લાખની છેતરપિંડી કરી નાસી ગયાની ફરિયાદ કરતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપી ભાઇ-બહેનની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
કાલાવડ રોડ પાસે રોયલ પાર્કમાં સેટ્રોસારોયલ એપાર્ટમેન્ટમાં રહેતા એડવોકેટ સંજયભાઇ ધીરૂભાઇ ભેંસાણિયાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે અક્ષરનગરમાં રહેતો કલ્પેશ પ્રદ્યુમ્નભાઇ ત્રિવેદી અને તેની બહેન અલ્પા અમિતભાઇ ત્રિવેદીના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, સને 2022 નવેમ્બરમાં બ્યૂ ફાર્મા કંપનીમાંથી ફોન આવ્યો હતો અને શેરબજારમાં પૈસાનું રોકાણ કરવા માટે સમજાવ્યા હતા. બાદમાં ત્રણેક દિવસ બાદ કંપનીના મનીષભાઇ ટેવાણી મારી ઓફિસે મળવા આવ્યા હતા અને શેરબજારમાં રોકાણ કરવાથી સારું વળતર આપવાની વાત કરી હતી. બાદમાં તેની કંપનીમાં રોકાણ કરેલ કોઇ વ્યક્તિના એગ્રીમેન્ટ બતાવવા માટે વાત કરી હતી અને તમારી કંપનીના ઓર્નરને મળવાની વાત કરતા તેને ત્રણેક દિવસ બાદ કલ્પેશ ત્રિવેદી તથા મનીષ ટેવાણી તેની ઓફિસે આવ્યા હતા અને એગ્રીમેન્ટની નકલ બતાવી હતી. કલ્પેશભાઇ અને તેના બહેન અલ્પાબેન કંપનીના ઓર્નર હોવાની વાત કરી હતી. બાદમાં તેની શીતલ પાર્ક પાસેની ઓફિસે ગયા હતા અને 10 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું કહ્યું હતું. બાદમાં તેને ચેક મારફતે રૂપિયા આપ્યા હતા. એક વર્ષ રોકાણ કરવાનું કહ્યું હતું બાદમાં નોટરાઇઝ લખાણ કરાવેલ હતું. બાદમાં માસિક રૂ.25 હજાર ચૂકવશે તેવી વાત કરી હતી. બાદમાં તેને વળતરના રૂ.4.80 લાખ લેવાના થતા તેને વાત કરતા કલ્પેશભાઇએ રૂ.4.50 લાખનો ચેક આપ્યો હતો. બાદમાં તપાસ કરતા ભાઇ-બહેન રોકાણ કરાવતા અને મનીષ ગ્રાહક શોધી લાવતો હતો પરંતુ રોકાણકારને પૈસા પરત ન કરતા હોવાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.