ઈન્કમટેક્સ ઓડિટ રિટર્ન ફાઈલ કરવાની મુદત વધી જતા સૌરાષ્ટ્રના અંદાજિત 5 હજારથી વધુ કરદાતાને રાહત મળી છે. હવે આ કરદાતાઓને પેનલ્ટી નહિ ભરવી પડે. આ પહેલા 31 ઓક્ટોબરના રોજ ઓડિટ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ મુદત હતી, પરંતુ હવે કરદાતા 7 નવેમ્બર સુધી રિટર્ન ફાઈલ કરી શકશે.
આ અંગે ટેક્સ કન્સલ્ટન્ટના જણાવ્યાનુસાર દિવાળીના દિવસે જ આ રિટર્ન ફાઈલ કરવાની મુદત વધારવામાં આવી હતી. જો આ મુદત વધારવામાં આવી ન હોત તો રિટર્ન ફાઈલ કરવું લગભગ અશક્ય હતું. અને નૂતન વર્ષના તહેવારોમાં પણ રિટર્ન ફાઈલ કરવાની કામગીરી ચાલુ રાખવી પડત. જોકે મુદત વધી જતા ટેક્સ કન્સલ્ટન્ટે એક સપ્તાહના વેકેશનનો લાભ લીધો હતો.
આજથી હવે ફરી પાછા રિટર્ન અને જીએસટીના અલગ અલગ ભરવા પાત્ર થતા ટેક્સ ફાઈલ કરશે. સામાન્ય રીતે અંતિમ મુદતમાં સર્વરની સૌથી મોટી સમસ્યા રહેતી હોય છે, પરંતુ આ વખતે સર્વર ચાલુ રહેતા ટેક્સ કન્સલ્ટન્ટ અને કરદાતાઓએ રાહતનો દમ લીધો છે. ચાલુ નાણાકીય વર્ષ 2022-2023નું ત્રીજું ક્વાર્ટર ડિસેમ્બરમાં પૂરું થશે ત્યારે ઈન્કમટેક્સનો એડવાન્સ ટેક્સ પણ ભરવામાં આવશે. આ વખતે પણ ઈન્કમટેક્સને આપેલો ટાર્ગેટ પૂરો થઈ જાય તેવી આશા સેવાઈ રહી છે.
દિવાળી પર્વમાં દરેક સેગમેન્ટમાં સારા વેપાર થયા છે. જેને કારણે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલમાં ગ્રોથ નોંધાશે. ટેક્સ નહિ ભરનાર પર આવકવેરા વિભાગની નજર રાખવામાં આવી રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ ડિવિઝનમાં 30થી વધુ કરદાતાઓએ જીએસટીમાં રજિસ્ટ્રેશન કર્યું છે જેમાં સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ યુનિટનો સમાવેશ થાય છે.