શ્રીલંકામાં ચીનના જાસૂસી વહાણ શી યાન-6 પછી હવે જાન્યુઆરીમાં ચીનનું વધુ એક વહાણ શિયાંગ યેંગ હોન્ગ-3 આવશે. આ વહાણ 2021માં ઇન્ડોનેશિયામાં પોતાનું લોકેશન ઑફ કરીને ચીનની સેનાને ડેટા મોકલતાં પકડાયું હતું. શ્રીલંકાના દરિયાઈ નિષ્ણાતોનું કહેવું છે કે ચીનનાં જાસૂસી વહાણોનું વારંવારનું આગમન બે ઇરાદા છે.
પહેલો, ભવિષ્યના દરિયાઈ યુદ્ધ માટે પોતાની સબમરીન માટે દરિયાઈ તળ (સી બેડ)નો નકશો તૈયાર કરવો. બીજો, દરિયાઈ ખનીજોની તપાસ કરવી. ભારતીય દરિયાઈ સરહદ નજીક ચીન સંશોધનના નામે આ બધી પ્રવૃત્તિ કરી રહ્યું છે. શ્રીલંકામાં મિલેનિયમ પ્રોજેક્ટના ફેલો અસંગા અભયગુણશેખરાનું કહેવું છે કે ચીનના વાર્ષિક શિડ્યૂલ અનુસાર દર વર્ષે બે જાસૂસી વહાણ શ્રીલંકા પહોંચશે.