40 વિધાનસભા સીટ ધરાવતા મિઝોરમમાં 7મી નવેમ્બરના દિવસે યોજાનાર મતદાનને લઇને ચૂંટણી પ્રચાર હવે ચરમસીમા પર છે. આશરે 90 ટકા ખ્રિસ્તી વસતીવાળા મિઝોરમમાં ભ્રષ્ટાચાર એક મુખ્ય ચૂંટણી મુદ્દો છે. 35 વર્ષીય વનલાલવેના આઇઝોલ વેસ્ટ-1માંથી એક અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે. તેઓ ભ્રષ્ટાચારનો અંત લાવવાના ઇરાદા સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
મિઝોરમ ચૂંટણીમાં કેટલાક એવા અપક્ષ ઉમેદવાર સામે આવે છે જે મતદારો પાસેથી ભગવાનના નામે મત માંગે છે. કેટલીક એવી વાર્તા ઊભી કરવામાં આવે છે જેમાં કહેવામાં આવે છે કે તેમનાં સપનાંમાં ભગવાન આવ્યા હતા અને ચૂંટણી લડવા માટે કહ્યું છે. રાજકારણમાં ગંદકીને દૂર કરવા માટે ભગવાન તરફથી આદેશ છે તેવી વાત મતદારોમાં ફેલાવવામાં આવે છે.
હરાંગતુઝો સીટ પરથી ચૂંટણી લડી રહેલા જોરમ થારના નેતા જૈચાવના હલ્વાંડો 2012માં પાદરીનું કામ છોડીને પોતાના વતન રાજ્યમાં એક અસામાન્ય મિશન પર આવ્યા છે. તેમનો દાવો છે કે મિઝોરમને એક ઇશ્વરીય રાજ્ય બનાવવા માટે તેમને દૈવી આદેશ મળ્યો છે. રસપ્રદ બાબત એ છે કે દિવ્ય સંદેશ પ્રાપ્ત કરનાર જૈચાવના અને તેમની બંને દીકરીઓ ચૂંટણી મેદાનમાં છે. આઇઝોલ વેસ્ટ-3 સીટ પરથી ચૂંટણી મેદાનમાં રહેલી લાલહિલજેલી કહે છે કે હું બર્મિઘમમાં લગ્ન કરી ચૂકી છું, પરંતુ ભગવાનના આદેશને પાળવા માટે મિઝોરમમાં ચૂંટણી લડવા માટે પરત ફરી છે. બીજી દીકરી લાલરુઆતફેલીને પણ ભગવાનનો દિવ્ય સંદેશ મળ્યો છે. તેઓ હવે આઇઝોલ- નોર્થ-1 અને આઇઝોલ ઇસ્ટ-1 સીટ પરથી મેદાનમાં છે. જૈચાવનાની પાર્ટી 22 સીટો પરથી મેદાનમાં છે.