ટોપ-4ની રેસમાંથી પહેલેથી જ બહાર રહેલી દિલ્હી કેપિટલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ-16ની 64મી મેચમાં પંજાબ કિંગ્સ સામે 15 રને વિજય મેળવ્યો હતો. આ હાર બાદ પ્લેઓફની રેસમાં પંજાબ કિંગ્સનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. હવે ટીમ પોતાની છેલ્લી મેચ જીતીને પણ પોઇન્ટ્સ ટેબલમાં માત્ર 14 પોઇન્ટ્સ પર પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, પ્લેઓફમાં પહોંચવા માટે, ટીમને બેંગ્લોર અને મુંબઈ માટે એક-એક મેચ હારવાની પ્રાર્થના કરવી પડશે.
ધર્મશાલા મેદાનમાં પંજાબે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 2 વિકેટે 213 રન બનાવ્યા હતા. 214 રનના ટાર્ગેટને ચેઝ કરતા પંજાબના બેટર્સ 20 ઓવરમાં 8 વિકેટે 198 રન જ બનાવી શક્યા હતા.
પ્રભસિમરન-તાયડેની 50 રનની ભાગીદારી
ઝીરો પર કેપ્ટન શિખર ધવનની વિકેટ ગુમાવ્યા બાદ પ્રભસિમરન સિંહ અને અથર્વ તાયડે પંજાબને સંભાળ્યું હતું. બંનેએ બીજી વિકેટ માટે 33 બોલમાં 50 રનની ભાગીદારી કરી હતી. અક્ષર પટેલે પ્રભસિમરનને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી.
પાવરપ્લેમાં ધવનની વિકેટ પડી
214 રનના ટાર્ગેટને ચેઝ કરતા ખલીલ અહેમદે પંજાબ કિંગ્સ સામે પ્રથમ ઓવર મેડન ફેંકી હતી. ટીમે બીજી ઓવરમાં જ શિખર ધવનની વિકેટ પણ ગુમાવી દીધી હતી. તેની વિકેટ ઈશાંત શર્માએ લીધી હતી. ત્રીજા નંબરે ઉતરેલા અથર્વ તાયડેએ પ્રભસિમરન સિંહ સાથે ઇનિંગને સંભાળી હતી. ટીમે 6 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 47 રન બનાવ્યા હતા.