રાજકોટમાં સામાકાંઠા વિસ્તારમાં ખાનગી નોકરીમાં ગયેલી માતા અને અશક્ત પિતાની ગેરહાજરીમાં 15 વર્ષની સગીર પુત્રીને ફોસલાવી દુષ્કર્મ કરવાના કેસમાં અદાલતે આરોપીને આજીવન કેદનો હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, સામાકાંઠા વિસ્તારની આવાસ યોજનામાં રહેતી એક મહિલા તા.21-9-2020ના રોજ ખાનગી નોકરીએ ગયા હતા અને પિતા પણ કામ કરવા ગયા હતા ત્યારે તેમની 15 વર્ષની સગીર પુત્રીને આરોપી અસલમ રજાક માજોઠી નામનો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હતો.
પોલીસે સગીરાની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યા બાદ તારીખ 25-9-2020ના રોજ આરોપીની ધરપકડ કરી અને સગીરાનો કબજો તેના માતાપિતાને સોંપ્યો હતો. આરોપીએ સગીરા સાથે અનેક વખત શરીરસંબંધ બાંધ્યાનું ખૂલતા પોલીસે આરોપી વિરોધ આઇપીસી કલમ 376 (2) તેમજ નવા પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબના ગુનાની કલમનો ઉમેરો કર્યો હતો.
આ કેસ ચાલી જતા મદદનીશ સરકારી વકીલ દ્વારા માતા તથા તપાસ કરનાર તબીબો તેમજ સગીરાના જન્મના પુરાવા અને સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા અને તેના આધારે સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ બી.બી.જાદવ દ્વારા આરોપી અસલમ રજાક માજોઠીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂપિયા 62000નો દંડ ફટકારવામાં આવ્યો છે.