શહેરના હોસ્પિટલ ચોકમાંથી યુવકનું કારમાં અપહરણ કરી પાંચ શખ્સો તેને અલગ અલગ સ્થળે લઇ ગયા હતા અને ઢોરમાર મારી યુવકને તેના ઘર નજીક છોડીને ભાગી ગયા હતા. પૈસાની ઉઘરાણીના મામલે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે એક શખ્સને ઝડપી લઇ અન્ય ચારની શોધખોળ શરૂ કરી હતી.
મોચી બજારની સામે દાણાપીઠ સામે સિંધીના ડેલામાં રહેતા જયેશ ઉર્ફે જેકી જગદીશભાઇ મેઠાણી (ઉ.વ.28)એ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શાહરુખ ઉર્ફે ડોનુ અમીન વિકિયાણી, શહેઝાદ ઉર્ફે સેજુ, નદીમ હનિફ સેતા, નવાઝ અને ધીરો પરમારના નામ આપ્યા હતા. જયેશ મેઠાણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે મોબાઇલ એસેસરીઝનું માર્કેટિંગ કરે છે. ચારેક વર્ષ પહેલા પોતે ક્રિકેટ રમતો હતો ત્યારે તેની સાથે શાહરુખ ઉર્ફે ડોનુ અને શહેઝાદ ઉર્ફે સેજુ પણ રમતો હોય તેની સાથે મિત્રતા હતી.