રાજકોટ મહાનગરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવાના ભાગરૂપે ચાલતી કેટલીક વહીવટ પ્રક્રિયા અંતર્ગત પે એન્ડ પાર્કના ટેન્ડર નિયમિત કરવામાં આવે છે. થોડા સમય પહેલાં 33 સાઇટની ટેન્ડર પ્રક્રિયામાં સિન્ડિકેટ થઇ ગયાની શંકાથી સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે દરખાસ્ત પરત મોકલી રી-ટેન્ડરનો હુકમ કર્યો હતો. આ બાદ હવે નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જેમાં પાર્કિંગનો ન્યુનતમ ચાર્જ રૂપિયા બેમાંથી વધીને 5 થયો છે. નવી પાર્કિંગ પોલિસી અંતર્ગત તમામ પ્રકારના વાહનોના પાર્કિંગ ચાર્જ વધી ગયા છે તે ઉલ્લેખનીય છે. ટ્રાફિક સમસ્યાવાળા રોડ ઉપર પણ આડેધડ પાર્કિંગ થતા હોય છે. જે સમસ્યા ઉકેલવા મહાનગરપાલિકા વધુમાં વધુ સ્થળે પે એન્ડ પાર્કિંગ બનાવી રહી છે.
હવે વર્ષોથી પે એન્ડ પાર્કિંગના ચાર્જ વધ્યા ન હોય ગત માસે 33 સ્થળે પે એન્ડ પાર્કિંગ અંગેની દરખાસ્ત આવી હતી. પરંતુ વધુ ભાવ મેળવવાના પ્રયાસો કરવા દરખાસ્ત પરત કરી રી-ટેન્ડર કરવાના આદેશ અપાયા હતા. જેનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. હવે પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટ મંજૂર થવા સાથે આ સાઇટ પર નવા દર લાગુ પડશે. જોકે, શહેરમાં અનેક જગ્યાએ નવા પાર્કિંગના દરના બોર્ડ તો લાગી જ ગયા છે. 33 સાઇટ માટે અગાઉ પણ ટેન્ડર અને દરખાસ્ત પ્રક્રિયા થઇ હતી. પરંતુ કોન્ટ્રાકટરો દ્વારા ઓછા ભાવ આવતા દરખાસ્ત રદ કરવામાં આવી હતી. પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સીઓને ઓછી આવકથી નુકસાની જતી હોવાની ફરિયાદો અગાઉ ઉઠવા પામી છે.