સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. કેટલાક દેશો એવા છે કે જેમણે 2024નું સ્વાગત ભારતના થોડા કલાકો પહેલા જ કર્યું છે. ભારતીય સમય અનુસાર 31મી ડિસેમ્બરના રોજ સાંજે 4:30 કલાકે ન્યૂઝીલેન્ડમાં સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
12 વાગતાની સાથે જ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડનો સ્કાય ટાવર આતશબાજીથી ઝળહળી ઉઠ્યો હતો. 10 સેકન્ડના કાઉન્ટડાઉન પછી ઓકલેન્ડના સ્કાય ટાવર પર આતશબાજીની શરૂઆત થઈ હતી. તે 5 મિનિટ ચાલી. આ માટે 6 મહિના પહેલા તૈયારીઓ કરવામાં આવી રહી હતી.
2 કલાક પછી ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ. અહીં સિડનીના હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પાસે ઓકલેન્ડના સ્કાય ટાવર જેવા જ દૃશ્યો જોવા મળ્યા હતા.
હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પાસે આતશબાજી દરમિયાન 8.5 ટન ફટાકડા ફોડવામાં આવ્યા હતા. તેનું આયોજન 15 મહિના સુધી ચાલ્યું. અહીં 10 લાખથી વધુ લોકો એકઠા થયા હતા. દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા અને જાપાનમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે.