રાજકારણ છોડીને પ્રદૂષણ રોકવા માટે પરાળીને બાળવા સિવાયનું સમાધાન શોધો: સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને રાજ્યની સરકારોને શાબ્દિક ચાબખા માર્યા હતા. એકબીજા પર દોષારોપણ કરવામાં નુકસાન લોકોને વેઠવું પડશે. ‘અમને કોઈ નિસબત નથી’ એવું તમે કેવી રીતે કહી શકો!? એ તમારી સમસ્યા છે. કોર્ટે પરાળીના નિકાલની પ્રક્રિયાને ફ્રી કરવા અને ઇન્સેન્ટિવ આપવાનું સૂચન પણ કર્યું હતું. સાથે જ આદેશ ન માનનારા લોકો સાથે કડકાઈ કરવા અને તેઓને કોઈ આર્થિક લાભ ન આપવા પણ કહ્યું હતું.
ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયમૂર્તિ સુધાંશુ ધૂલિયાની પીઠે મંગળવારે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ અંગે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન પંજાબે પરાળી બાળવા વિરુદ્ધ 984 કેસ દાખલ કર્યાની તથા 2 કરોડનો દંડ વસૂલ્યાની માહિતી આપી હતી. આ મુદ્દે કોર્ટમિત્ર (એમીકસ ક્યૂરી) અપરાજિતા સિન્હાએ જણાવ્યું હતું કે પંજાબમાં રવિવારે પણ 700થી વધુ સ્થળે પરાળી બાળવામાં આવી હતી.
બધાં રાજ્યો બિહાર અને હરિયાણા પાસેથી શીખે
હરિયાણા-બિહાર પાસેથી પરાળીના નિકાલની વ્યવસ્થાનો અભ્યાસ કરવા સર્વોચ્ચ અદાલતે સરકારોને કહ્યું હતું. કોર્ટે કહ્યું કે બિહારના ખેડૂતો પરાળી હાથેથી કાપે છે. તેનાથી ખેતરોમાં અવશેષો રહેતા નથી. તેને બાળવી પડતી નથી. પંજાબે હરિયાણા પાસેથી ખેડૂતોને આર્થિક પ્રોત્સાહન આપવાનો પ્રયોગ શીખવો જોઈએ.