રાજકોટમાં દરરોજ અવકાશમાંથી જાણે આગ વરસી રહી હોય એમ દિનપ્રતિદિન તાપમાનનો પારો ઊંચો જ જઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં તો રાજકોટમાં ગરમીએ બે રેકોર્ડ સર્જ્યા છે. ગત સોમવારે 7 એપ્રિલે રાજકોટમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે બુધવારે 45.2 ડિગ્રી તાપમાને રાજકોટના એપ્રિલ મહિનાના ઈતિહાસનો સૌથી ઊંચા તાપમાનનો રેકોર્ડ સર્જ્યો છે. આ ઉપરાંત રાજકોટમાં 1 એપ્રિલથી લઈને 9 એપ્રિલ સુધી તાપમાનનો પારો 9 દિવસ સુધી 42 ડિગ્રીને પાર જ રહેતા લોકો પણ અકળાયા છે.
હીટવેવને પગલે રાજકોટ શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનો સમય સવારે 7થી 11 વાગ્યાનો કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર કરવામાં આવેલો છે. જેનો અમલ તમામ શાળાઓએ કરવાનો રહેશે. હાલ તમામ પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષા ચાલુ હોય જેમાં ધોરણ 1થી 5નો સમય 8થી 10 અને ધોરણ 6થી 8માં સમય સવારે 8થી 11 સુધીનો છે. પરીક્ષા દરમિયાન જે ધોરણની પરીક્ષા હોય તે ધોરણના જ બાળકોને શાળાએ બોલાવવા જે ધોરણની પરીક્ષા ન હોય તે બાળકોને શાળાએ નહીં બોલાવવા જણાવાયું છે. હીટવેવ સમય દરમિયાન બાળકોને તડકે રમવા કે રીસેસ સમય દરમિયાન બહાર મોકલવા નહીં. તેમજ કોઈ ઓપન એર વર્ગો હાથ ધરવાના નથી. નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા શાળા કક્ષાએથી શાળામાં ઓર.આર.એસની વ્યવસ્થા કરવા સૂચના આપી છે.
રાજકોટ સિવાય અન્ય 12 શહેરમાં પણ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. પોરબંદરમાં પારો 43 ડિગ્રીએ પહોંચ્યો હતો. જે સામાન્ય કરતા 8.8 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે. ત્યારબાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે.