ઝારખંડ ખાતે વાકો ઇન્ડિયા નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપ જુનિયર્સ અને કેડેટ્સ 2023માં ગુજરાત કિક બોક્સિંગ ટીમે સિદ્ધિ નોંધાવી છે. ગુજરાતની ટીમે કુલ 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. સમગ્ર દેશમાં મેડલ ટેલીમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કોંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ દિલ્હી એરપોર્ટ પર ગુજરાતની ટીમને મળ્યા અને અભિનંદન પાઠવ્યા હતા, ત્યારબાદ વડોદરા એરપોર્ટ પર ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતની ટીમના 36 ખેલાડીઓ વડોદરાના અને 2 ખેલાડી વલસાડના હતા.
કિક બોક્સિંગ એસોસિએશન, ઝારખંડના રાંચીમાં તાજેતરમાં પૂર્ણ થયેલા વાકો ઈન્ડિયા કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ ઓફ જુનિયર્સ એન્ડ કેડેટ્સ 2023માં ગુજરાતની ટીમ એક અસાધારણ શક્તિ તરીકે ઉભરી આવી છે. આ ચેમ્પિયનશિપમાં 32 રાજ્યોના 2500 કિક બોક્સર વચ્ચે સ્પર્ધા જોવા મળી હતી. જેમાં વાકો ગુજરાતના ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. 38 ખેલાડીઓ અને 4 કોચની ટુકડીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને પ્રભાવશાળી 28 ખેલાડીઓએ વિવિધ શ્રેણીઓ અને ઇવેન્ટ્સમાં વિજય મેળવ્યો હતો.
વાકો ઈન્ડિયા કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ જુનિયર્સ એન્ડ કેડેટ્સ 2023માં કિક બોક્સિંગ એસોસિએશન ગુજરાત (વાકો ગુજરાત)ની નોંધપાત્ર સફળતા રાજ્યભરના એથ્લેટ્સ માટે પ્રેરણારૂપ છે. કોંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ દિલ્હી એરપોર્ટ પર અચાનક જ ગુજરાતની ટીમને મળી ગયા હતા અને ખેલાઓને અભિનંદન પાઠવ્યા હતા. રાહુલ ગાંધીએ ખેલાડીને પ્રોત્સાહિત કર્યા હતા અને રમત અંગે ચર્ચા કરી હતી. આ સાથે વાકો ગુજરાતના પ્રમુખ સિદ્ધાર્થ ભાલેઘરે અને જનરલ સેક્રેટરી જયેન્દ્ર કોઠી અને કોચ રવિ વણઝારા, ઈશિતા ગાંધી અને ઉજ્જવલા લાંગડેએ ખેલાડીઓને ભવિષ્યની સફળતા માટે અભિનંદન આપ્યા છે.