ચાર વર્ષ અગાઉ જર્જરિત થયેલા વાલોડ અને અંબાચ ગામના ચેક ડેમો હાલ લોકો માટે જોખમી બન્યા છે. વાલોડ અને અંબાચ ગામના જોખમી ચેકડેમો દિવ્યભાસ્કરે અગાઉ સમાચારો પ્રકાશિત કરી તંત્રને ચેતવ્યા હતા. સમાચારો પ્રકાશિત થતા અધિકારીઓ સ્થળ પર આવી સ્થળ તપાસ કરી ગયા બાદ કોઈપણ પ્રકાસરની નક્કર કામગીરી હાથ ધરવામાં આવી ન હતી.
વાલોડના ચેકડેમના સાત પાયા ધોવાયા હતા અને અવરજવર કરવાનો સ્લેબ પણ કેટલાક સ્થળો પર થોડું ધોવાયું હતુ, પરંતુ અધિકારીઓ માત્ર સ્થળ પર આવી તપાસ કરી જતા રહયા બાદ આજદિન સુધી કોઈ નક્કર કામગીરી કે મરામત કરવામાં આવી નથી. ચોમાસા દરમ્યાન મેઘરાજાની જોરદાર બેટિંગને કારણે નદીમાં ઘોડાપુર આવતા તંત્રની પોલ દર વર્ષે ખુલી જાય છે, વાલોડ અને અંબાચના ચેકડેમ કોઝવે હોય જેના ઉપરથી અવર-જવર થતી હોય આ ચેક ડેમો ધોવાઈ જતા લોકોને ચોમાસામાં પસાર થવું જોખમી સાહસ કરવું પડે છે.
ચેક ડેમો ચોમાસા દરમિયાન પાણીમાં ડૂબી જતા મોટા ફેરાવો ખાઈને લોકોએ અવર-જવર કરવી પડે છે. અંબાચનો ચેક ડેમનો રસ્તો સંપૂર્ણ ધોવાઈ ગયો છે. રીપેર કરવામાં ન આવતા ચોમાસા દરમિયાન સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ થઈ જાય છે અને ખુદ અંબાચનાં ખેડૂતોએ પોતાના ખેતરે જવા માટે 10 થી 12 કિલોમીટરનો ફેરાવો ખાઇ ખેતરે પહોંચતા હોય છે જેને કારણે કોઝવેના ઉપયોગ કરતા વાલોડ અને વ્યારા તાલુકાના 10 ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.