ચીને અમેરિકાના સીક્રેટ ડિફેન્સ પ્રોજેક્ટ, પ્રતિષ્ઠિત યુનિવર્સિટી અને કોલેજોમાં કામ કરી રહેલા ચીની મૂળના વિજ્ઞાનીઓને પાછા બોલાવવાનું શરૂ કર્યું છે. અમેરિકાથી 2021માં 1415 ચીની વિજ્ઞાનીઓ સ્વદેશ પાછા ફર્યા હતા. જોકે 2020માં 1162 વિજ્ઞાની પાછા આવ્યા હતા. વિજ્ઞાનીઓને બોલાવવા માટે ચીનની કમ્યુનિસ્ટ સરકારે તેને ટેલેન્ટ પ્રોગ્રામ નામ આપ્યું છે.
એક ગુપ્ત અહેવાલ અનુસાર ચીન પાછા ફરનારા 154 વિજ્ઞાની અમેરિકામાં સીક્રેટ હથિયાર પ્રોગ્રામને સંચાલિત કરનારા લૉસ એલામૉસ સંસ્થાનમાં કામ કરી ચૂક્યા છે. અમેરિકાના ન્યૂક્લિયર પ્રોગ્રામ લૉસ એલામૉસમાં જ ચાલે છે. હવે આ વિજ્ઞાનીઓએ ચીને તેના માટે એડવાન્સ ડ્રોન અને મિસાઈલ બનાવવાનું કામ સોંપ્યું છે. ચીને ગત બે વર્ષમાં મધ્યપૂર્વ એશિયા સહિત આફ્રિકાના અનેક દેશોમાં હથિયારોની નિકાસ 25 ટકા વધારી છે.
ટેલેન્ટ ટ્રાન્સફર માટે ચીન સરકારનું ગુપ્ત અભિયાન
અમેરિકી ગુપ્ત અહેવાલ મુજબ ચીને ટેલેન્ટ ટ્રાન્સફર માટે એક ગુપ્ત અભિયાન ચલાવ્યું છે. તે હેઠળ અમેરિકામાં કામ કરનારા અમુક વિજ્ઞાનીઓને ચીનની કમ્યુનિસ્ટ સરકાર ચોરી-છુપે પૈસા મોકલે છે. સાથે જ ચીન પાછા આવ્યા બાદ અમેરિકામાં કામ કરનારા વિજ્ઞાનીઓને ઊંચા પગારે રાખે છે. આ વિજ્ઞાની ડિફેન્સ મંત્રાલય હસ્તક રહે છે.
ખર્ચ અમેરિકાનો, લાભ ચીન ઊઠાવે છે : એફબીઆઈ
એફબીઆઈના નિર્દેશક ક્રિસ્ટોફર રે કહે છે કે અહીંના સંસ્થાનોમાં રિસર્ચ કરનારા ચીનના વિજ્ઞાનીઓના પગાર પર અમેરિકી સરકાર ખર્ચ કરે છે. ચીનના અનેક વિજ્ઞાનીઓ અહીંની જાણકારી ગુપ્ત રીતે ચીન મોકલે છે કે પછી પોતે ચીન પાછા ફરી જાય છે. લૉસ એલામૉસમાં ગત દિવસોમાં એફબીઆઈએ 5 ચીની વિજ્ઞાનીઓની ધરપકડ કરી હતી.