સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને પ્રેમજાળમાં ફસાવનાર વિધર્મીએ તેના પિતા સાથે અપહરણ કર્યા બાદ સગીરાને રોકડ, કપડાં લઇ આવવાનું કહી ઘરે પરત મૂકી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગાંધીગ્રામ પોલીસે દોઢસો ફૂટ રિંગ રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાએ જામટાવર ચોક પાસે રહેતા અમનખાન પઠાણ, તેના પિતા રશીદખાન પઠાણ અને ત્રણ અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી સગીરાનું અપહરણ કરનાર પિતા-પુત્રને સકંજામાં લીધા છે.
બે દીકરીની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની મોટી પુત્રી 17 વર્ષની છે અને તે રૈયા રોડ પર આવેલી સ્કૂલમાં ભણે છે. સહેલીના માધ્યમથી સોશિયલ મીડિયામાં અમનખાન મિત્ર થયો હતો. દરમિયાન સોમવારે સાંજે પુત્રી તેની સહેલી સાથે રેસકોર્સ નાસ્તો કરવા ગયા હતા. ત્યાંથી બંને પરત ફરતા હતા. ત્યારે હનુમાનમઢી ચોક પાસે પહોંચતા અમન તેના પિતા રશીદખાન અને અન્ય ત્રણ શખ્સે બંનેને ઘેરી લીધી હતી. આ સમયે અમનના પિતાએ મારા દીકરા સાથે લગ્ન કરવાના છે એટલે તું તારા ઘરેથી તારા કપડાં અને રૂ.20 હજાર લઇ આવવાનું કહી ઘરે મોકલી હતી.
પુત્રી ઘરે આવી ત્યારે પોતે અને પતિ નોકરી પર હોય પુત્રીએ ફોન કરી બનાવની જાણ કરી હતી. જેથી બનાવની પતિને જાણ કરી બંને ઘરે પહોંચ્યા હતા. અને પુત્રી પાસેથી સઘળી વિગતો જાણ્યા બાદ ઘર પાસેના સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં અમન, રશીદખાન સહિતનાઓ જોવા મળ્યા હતા. આમ વિધર્મીએ તેના પિતા સહિતનાઓ સાથે મળી પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લગ્નના ઇરાદે અપહરણ કરી પરત ઘરે મૂકી જતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.