ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે સોમવારે રાત્રે ભારતીય સમય અનુસાર 10:30 કલાકે અમેરિકી સંસદ કેપિટોલ હિલ ખાતે પદના શપથ લીધા હતા. સુપ્રીમ કોર્ટના જજ જોન રોબર્ટ્સે તેમને શપથ લેવડાવ્યા હતા. આ તેમનો બીજો કાર્યકાળ છે. તેઓ 2017થી 2021 સુધી અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ હતા.
ટ્રમ્પના શપથ સમયે પત્ની મેલાનિયા બાઈબલ લઈને ઊભી હતી. શપથ બાદ સંસદનો કેપિટોલ રોટુન્ડા હોલ થોડીવાર તાળીઓના ગડગડાટથી ગુંજતો રહ્યો. પોતાના ભાષણમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને મહાન બનાવવા માટે ભગવાને તેમને બચાવ્યા. આ પહેલા જેડી વેન્સે અમેરિકાના 50મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.
શપથ બાદ ટ્રમ્પે 30 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમના પ્રથમ ભાષણમાં તેમણે કહ્યું હતું કે, 'અમેરિકાનો સુવર્ણ યુગ હજુ શરૂ થઈ રહ્યો છે. આ દિવસથી આપણો દેશ ફરીથી સમૃદ્ધ બનશે અને સમગ્ર વિશ્વમાં તેનું સન્માન થશે. હું ફક્ત અમેરિકાને પ્રથમ સ્થાન આપીશ. અમારી સુરક્ષા પુનઃસ્થાપિત કરવામાં આવશે. ન્યાયના ત્રાજવા પછી સંતુલિત થશે. અમે અમેરિકાને ફરી મહાન બનાવીશું.