જૂનાગઢના મુખ્ય તીર્થક્ષેત્ર ભવનાથમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધના નામે હવે દૂધની થેલી લઇ જવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાતા હોબાળો થઇ રહ્યો છે. આ અંગે ગિરનાર સ્થિત અંબાજી મંદિરના મહંત મોટાપીરબાવા તનસુખગીરીબાપુએ પ્લાસ્ટિકમુક્ત ગિરનારનું સૂત્ર લાગુ કરીને ભવનાથને યાત્રીકો મુક્ત કરવાનું કારસ્તાન ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ભવનાથ વિસ્તારને પ્લાસ્ટિકમુક્ત કરવાનું અભિયાન યાત્રિકો માટે દુઃખદ છે. કારણકે આજે કોઈપણ વસ્તુ ખરીદ કરો તેનું પેકીંગ મોટાભાગે પલાસ્ટીકમાંજ આવે છે.
ભારત સરકારનું ગેઝેટ જે 2012 માં જાહેર કરાયું ત્યારે આ વિસ્તારને ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કર્યો છે એ સાચું. પરંતુ ગેઝેટને સાચી રીતે સમજવાની જરૂર છે. તેમાં ક્યાંય પ્લાસ્ટિક ઉપરના પ્રતિબંધની વાત નથી માત્ર પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરવાની તાકીદ કરવામાં આવી છે. એ ઉપરાંત હાઇકોર્ટનો હુકમ પણ યોગ્ય રીતે સમજવાની જરૂર છે. તેમાં જો આવો આદેશ હોય તો સરકાર વતી હાઈકોર્ટનું માર્ગદર્શન માગવું જોઈએ કે, પ્લાસ્ટિક મુક્ત એટલે કોઈપણ વસ્તુ ન લઇ જવી કે પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરવો?
વેપારીને જ નહીં લોકોને પણ તકલીફ પડશે
ભવનાથ તીર્થક્ષેત્રમાં ઇકોસેન્સેટિવ ઝોનના નિયમોને લાગુ કરવાની કાર્યવાહીમાં કઈક કાચું કપાઇ રહ્યું છે. ગેઝેટમાં જે લખાયું છે તેની અમલવારી કરવાની હોય તો એમાં પલાસ્ટીક કચરાનો યોગ્ય નિકાલ થાય તે વ્યવસ્થા કરવાની છે તેવું વાંચી શકાય છે. પરંતુ અહીં પ્લાસ્ટિક પેકીંગ વાળી તમામ વસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એ વાસ્તવિકતાથી જોજનો દૂર છે. આ મામલે જરૂર જણાય તો હાઈકૉર્ટનું માર્ગદર્શન પણ માગવું જોઈએ. નહીં તો જૂનાગઢમાં પણ તમામ ધંધા રોજગારને માઠી અસર થશે જેની સૌથી વધુ અસર લોકોને પણ થવાની છે.