ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આ સિઝનની નવમી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ ગઈ હતી. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 81 રને પરાજય આપ્યો હતો. આ મેચમાં સંપૂર્ણ રીતે KKRનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. ટીમે RCBને પહેલા બેટિંગમાં અને પછી બોલિંગમાં પછડાટ આપી હતી. એક તબક્કે 90 રનની અંદર જ 5 વિકેટ ગુમાવી દેનારા KKRએ RCBને 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે RCB 123 રનમાં જ ખખડી ગયું હતું.
205 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી બેંગલોરની શરૂઆત વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસીસે કરી હતી. બન્નેએ 4 ઓવરમાં 42 રન ઉમેર્યા હતા. ત્યારપછી પાંચમી ઓવરમાં સુનીલ નારાયણે કોહલીને બોલ્ડ કર્યો હતો. છઠ્ઠી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ ફાફ ડુ પ્લેસીસને બોલ્ડ કર્યો હતો.
સાતમી ઓવરમાં કોઈ વિકેટ પડી નહોતી, ત્યારપછી આઠમી ઓવરમાં વરુણે ગ્લેન મેક્સવેલ અને હર્ષલ પટેલને બોલ્ડ કર્યા હતા. 9મી ઓવરમાં નારાયણે શાહબાઝ અહેમદને આઉટ કર્યો હતો. આ રીતે RCBએ 17 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા સુયશ શર્માએ પણ ડેબ્યૂ મેચમાં 3 વિકેટ ઝડપીને બેંગલોરની બાકી રહેલી કમર પણ તોડી નાખી હતી.