ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે અનુભવી બેટર વિરાટ કોહલીનો બચાવ કર્યો છે. પર્થ ટેસ્ટ પહેલા બુમરાહે કહ્યું કે 'મારે કોહલીને કંઈ કહેવાની જરૂર નથી. મેં તેની કેપ્ટનશિપમાં ડેબ્યુ કર્યું છે. સિરીઝમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, પરંતુ તેનો આત્મવિશ્વાસ અકબંધ રહે છે.'
ટીમ ઈન્ડિયાને 22 નવેમ્બર, શુક્રવારથી ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમવાની છે. જેમાં નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ ટીમની કમાન સંભાળશે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે સ્વીકાર્યું કે તેની ટીમ પર દબાણ રહેશે, જેણે ભારત સામે તેની છેલ્લી ચાર ટેસ્ટ સિરીઝ ગુમાવી છે. તેણે કહ્યું- હોમ ગ્રાઉન્ડ પર રમતી વખતે હંમેશા દબાણ રહે છે. ભારત એક સારી ટીમ છે અને તે એક સારો પડકાર હશે, પરંતુ અમે બહુ આગળનું વિચારી રહ્યા નથી. BGT જીતવું અદ્ભુત હશે. ભારતીય ટીમ ઘણી સારી છે, પરંતુ અમારી તૈયારી પણ પાક્કી છે.