જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના સાદુનારા ગામમાં શુક્રવારે વહેલી સવારે આતંકવાદીઓએ એક મજૂરને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ મજૂર બિહારના મધેપુરા જિલ્લાનો વતની હતો. તેની ઓળખ મોહમ્મદ અમરેજ (19 વર્ષ) તરીકે થઈ છે. ઘટના બાદ વિસ્તારમાં પોલીસ સર્ચ ઓપરેશન ચાલુ છે.
કાશ્મીર પોલીસે એક નિવેદનમાં કહ્યું કે આતંકવાદીઓએ મજૂર પર ગોળીબાર કર્યો અને તે ઘાયલ થઈ ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. અમરેજ અહીં મજુરી કામ કરતો હતો.
5 વર્ષમાં 28 પરપ્રાંતીયો માર્યા ગયા
હાલમાં જ કેન્દ્ર સરકારે ગૃહમાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં 2017થી 5 જુલાઈ 2022 સુધીમાં આતંકવાદીઓ દ્વારા 28 પરપ્રાંતિય મજૂરોની હત્યા કરવામાં આવી છે. તેમાંથી સૌથી વધુ બિહારના 7 મજૂરો માર્યા ગયા છે. આ સિવાય મહારાષ્ટ્રના 2 અને ઝારખંડના 1 મજૂરના મોત થયા છે.
ઘાટીમાં બિન-કાશ્મીરીઓની સતત હત્યા કેમ થઈ રહી છે?
ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર ટાર્ગેટેડ કિલિંગ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાની પાકિસ્તાનની નવી યોજના છે. એવું માનવામાં આવે છે. આર્ટિકલ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની પુનર્વસન યોજનાઓ પર પાણી ફેરવવાનો હેતુ છે.
કલમ 370 નાબૂદ કર્યા પછી, કાશ્મીરમાં ટાર્ગેટેડ કિલિંગની ઘટનાઓ વધી છે, જેમાં આતંકવાદીઓ, ખાસ કરીને કાશ્મીરી પંડિતો, પ્રવાસી કામદારો અને સરકાર કે પોલીસમાં કામ કરતા સ્થાનિક મુસ્લિમોને પણ સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે.
પ્રોપેગેંડા ફેલાવીને ઘાટીમાં સક્રિય રહેવાનું ષડયંત્ર
ISI કાશ્મીરી લોકોમાં આ પ્રોપેગેંડા ફેલાવી રહ્યું છે કે કલમ 370 હટાવ્યા બાદ બહારથી આવતા પ્રવાસી મજૂરો તેમની નોકરીઓ અને જમીન પર કબજો કરી લેશે. આ દુષ્પ્રચાર દ્વારા તેઓ ફરીથી કાશ્મીરમાં પાકિસ્તાન તરફી આતંકવાદી સંગઠનો માટે સમર્થન એકત્રિત કરવાનો પ્રયાસ કરે છે.