રાજકોટ મહાનગરપાલિકા તંત્રની આગોતરા આયોજનની મોટી-મોટી વાતો પાછળ હંમેશા પોલમપોલ હોય છે તેવી વાતોને સમર્થન આપતી અને રાજકોટવાસીઓની સમસ્યા વધશે તેવી હકીકત પ્રકાશમાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા દ્વારા કટારિયા ચોકડી અને નવા રિંગરોડ-2 પર ફોરટ્રેક સહિતના કુલ 3 પ્રોજેક્ટનું કામ એકીસાથે શરૂ કરવામાં આવનાર છે ત્યારે હવે ટૂંક સમયમાં શરૂ થનાર આ કામગીરી માટે કાલાવડ રોડ પર અને રીંગરોડ-2 પર ચાલતા વાહનોને ડાયવર્ઝન આપવું જરૂરી બન્યું છે.
હાલ પૂરતો મહાનગરપાલિકા તંત્રે પોતાની રીતે પ્રપોઝડ ડાયવર્ઝન પ્લાન તૈયાર કર્યો છે અને પોલીસ તંત્ર સાથે પરામર્શ બાદ જાહેરનામું બહાર પાડી તેની અમલવારી કરાશે ત્યારે મહાનગરપાલિકાનો આ પ્રપોઝ્ડ ડાયવર્ઝન પ્લાન રાજકોટવાસીઓની સમસ્યા વધારનારો અને કણકોટ તથા અવધ રોડ પર ટ્રાફિક સમસ્યા સર્જનારો પુરવાર થાય તેવા સંકેતો અત્યારથી મળી રહ્યા છે.
પ્રપોઝડ પ્લાનના નકશા અને વિગતો મુજબ રિંગરોડ-2 પર શાપર તરફથી આવતા ભારે વાહનોએ ઠાકર હોટેલ સામેથી કણકોટ રોડ અને અવધ રોડ પર થઇને આગળ જવાનું રહેશે. જ્યારે નાના વાહનોએ રંગોલી આવાસથી જીનિયસ સ્કૂલ, પેરેડાઇઝ હોલ થઇ રીંગરોડ-2 સુધી જવાનું રહેશે. તદઉપરાંત કાલાવડ રોડ પર મોટામવા તરફથી કોસ્મોપ્લેક્સ જવા માટે પણ આ ડાયવર્ઝન જ અનુસરવાનો રહેશે. અમુક સ્થળે તો પેવર રોડ બનાવવા પડે તેવી સ્થિતિ છે ત્યારે અત્યાર સુધી મનપાનું તંત્ર કયાં ઊંઘતું હતું તેવો સવાલ ઉઠી રહ્યો છે. જો મનપાનો પ્રપોઝડ ડાયવર્ઝન રૂટ ફાઇનલ થશે તો કણકોટ અને અવધ રોડના રહીશો માટે તે ભયંકર ટ્રાફિક સમસ્યા સર્જશે તેમાં બેમત નથી.