રાજકોટમ આજે લોંગ વીઝા પર રહેતા 24 પાકિસ્તાની હિંદુઓને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.સ્વતંત્રતા દિવસ પૂર્વે ભારતનું નાગરિકત્વ આપવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી. આ સાથે ગૃહમંત્રીએ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના નવા લોગોનું અનાવરણ કર્યું હતું અને તાજેતરમાં ધાડપાડુ ગેંગના સભ્યો સામે હિંમતપૂર્વક બાથભીડીને આરોપીને જીવના જોખમે ઝડપી પાડ્યા હતા. તે બદલ પોલીસકર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
24 લોકોએ અરજી કરી હતી
રાજકોટ જિલ્લામાં વસવાટ કરતા પાકિસ્તાની હિંદુઓએ ભારતીય નાગરિકત્વ માટે અરજી કરેલી હતી. જે સંદર્ભે કાર્યવાહી કરીને કલેકટર દ્વારા 24 જેટલા લોકોની અરજી મંજૂર કરવામાં આવેલી છે. અને આજે સવારે 11.30 કલાકે કલેકટર કચેરી ખાતે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે.
ભારતનું નામ રોશન કરીશ: લાભાર્થી
રાજ્યના ગૃહમંત્રીએ જેમને બહેન તરીકે સંબોધન કરી હતી તે કેશરબાઇ શંકરચંદ નામની 22 વર્ષીય યુવતી કે જે મૂળ કરાંચી પાકિસ્તાનની હતી જેમને પણ આજે ભારતનું નાગરિકત્વ મળતા ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે મને ભારતનું નાગરિકત્વ મળી જતા હું ખુબ ખુશ છું મને આગળ અભ્યાસ કરવા માટે જે ઈચ્છા છે તે પૂર્ણ કરી શકીશ. મારા સપનાઓ પૂર્ણ કરીને ભારતનું નામ રોશન કરીશ.
7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશીને નાગરિકતા મળે છે
નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. અત્રે નોંધનીય બાબત છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે.જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.
આ મુજબ ભારતીય નાગરિકતા આપવામાં આવે છે
અત્રે નોંધીનય બાબત છે કે, વર્ષ 2016 અને 2018ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા(હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચન) ધર્મના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે.